• બુધવાર, 11 માર્ચ, 2026

ગાંધીધામમાં જપ્ત મિલકત હરાજીની તજવીજ

ગાંધીધામ, તા. 10 : ચાલુ નાણાકીય વર્ષના અંતિમ માર્ચ મહિનામાં ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મોટા બાકીદારો પાસેથી લગભગ 28 કરોડની વેરા વસૂલાત માટે મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં જપ્ત કરેલી 13 મિલકત પાસેથી 30 લાખ રૂપિયાનો વેરો વસૂલવા માટે મિલકતોને ઓક્શન કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 50 કરોડથી વધુ માગણાની સામે અત્યાર સુધીમાં લગભગ 23 કરોડની વેરા વસૂલાત થઈ છે, 50000 અને એક લાખ અથવા તો તેથી વધુનો ટેક્સ બાકી હોય તેવા મોટા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરીને નોટિસ આપ્યા પછી પણ મહાનગરપાલિકાને વેરા ભરપાઈ કર્યા નથી, જેના પગલે અત્યાર સુધીમાં 13 મિલકતની જપ્તી કરવામાં આવી છે અને આ મિલકતધારકો પાસેથી 30 લાખની આસપાસનો ટેક્સ વસૂલવાનો છે, મિલકત જપ્તી કર્યાના ઘણા દિવસો વીતી ગયા છતાં વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં જપ્ત કરેલી મિલકતોની હરાજી કરીને વેરાઓની વસૂલાત માટે તંત્ર વિચારાધીન થયું છે. જો અઠવાડિયા દરમિયાન જપ્ત કરાયેલી મિલકતધારકો દ્વારા મહાનગરપાલિકાને વેરો ભરપાઈ કરવામાં નહીં આવે, તો મિલકતને હરાજી કરવાની તૈયારીઓ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી હતી. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં 60600 મિલકતધારકો છે. અત્યાર સુધીમાં લગભગ 40 હજાર મિલકતધારકે મહાનગરપાલિકાને વેરો ભરપાઈ કર્યો છે અને 50 કરોડથી વધુનું માગણું છે, તેની સામે 23 કરોડથી વધુની વેરા વસૂલાત થઈ છે, હવે 20 હજાર કરદાતા પાસેથી 28 કરોડની વસૂલાત બાકી છે. ચાલુ નાણાકીય વર્ષના અંતિમ  મહિનાના 10 દિવસ નીકળી ગયા છે અને આગામી 21 દિવસમાં વહીવટી તંત્ર વેરા વસૂલાતનાં લક્ષ્યાંક સુધી પહોંચવા મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરી રહ્યું છે, પણ  મિલકતધારકો દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવતાં હવે જે મિલકતો જપ્ત કરવામાં આવી છે. તેને ઓક્શન કરીને વસૂલાત માટેની તજવીજ શરૂ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. 

Panchang

dd