ભુજ, તા. 8 : ભારે ઉત્કંઠા સાથે ક્રિકેટ
જવર ફેલાવનાર ફાઇનલ મુકાબલાના એક-એક દડા પર મીટ માંડીને બેઠેલા કચ્છના ક્રિકેટરસિકોએ
ન્યૂઝીલેન્ડ સામે ભારતના વિજયને વધાવી લેતાં
ઉમંગભેર ઉજવણી કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટી-20 વિશ્વકપના ખિતાબી જંગમાં ટીમ
ઇન્ડિયાની જીત સાથે જ રમતના રસિયાઓએ એકમેકને તાળીઓના તડાકા મારી, ભેટીને આતશબાજી કરતાં ઐતિહાસિક વિજયોત્સવની
ઉજવણી કરી હતી. યોગાનુયોગ રવિવારની રજાની મજામાં અનોખો ઉમેરો થશે તેવી આશા આંખે આંજીને
લોકોએ આજે સવારથી જ સાંજ પડવાની આતૂરતાભેર રાહ જોઇ હતી. બસ, પછી
સાંજે સાત વાગતાંની સાથે જ કચ્છના ગામ, શહેરોના રસ્તાઓ પર `મેચ પ્રેરિત કર્ફ્યૂ' જેવો સૂનકાર છવાઇ ગયો હતો. ભુજ શહેરમાં વીબીસીની
વાડી, હોટલ વિરામ તેમજ બસસ્ટેશન સહિત વિસ્તારોમાં મેચ જોવાની
વ્યવસ્થા કરાઇ હતી, એ જ રીતે મુંદરામાં પણ શિવપારસ ગ્રુપે વ્યવસ્થા
કરી હતી. ગાંધીધામ, રાપરમાં પણ સામૂહિક રીતે મેચ નિહાળવાના આયોજન
કરાયા હતા. ચોગ્ગા, છગ્ગાથી ચિચિયારીઓ અને ન્યૂઝીલેન્ડની વિકેટો
પડતાં તાળીઓના ગડગડાટ સાથે ક્રિકેટપ્રેમીઓએ આનંદભેર મેચની મજા માણી હતી. મેચ પૂરી થયા
પછી વિજયની ખુશીમાં ચા-પાણી-નાસ્તો કરવા નીકળી પડતાં મોડી રાત સુધી ખાણી-પીણીના ધંધાઓમાં
પણ તડાકો પડી ગયો હતો.