વોશિંગ્ટન, તા. 10 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે યુદ્ધ અંત ભણી હોવાનું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર
પુતિન સાથે વાત કરીને ઇરાન યુદ્ધનો ટૂંક સમયમાં અંત લાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાના
અહેવાલ છે. ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર
યુરી ઉષાકોવે પત્રકારોને જણાવ્યું હતું કે,
ટ્રમ્પે પુતિનને ઇરાન અને યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે ફોન કર્યો
હતો, વાતચીત લગભગ એક કલાક ચાલી હતી, વાતચીત
રચનાત્મક અને સ્પષ્ટ હતી. ક્રેમલિન કહે છે કે, રશિયન દળો યુક્રેનમાં
ઝડપથી આગળ વધી રહ્યાં છે, જેના કારણે કિવને વાતચીત માટે સંમત
થવાની ફરજ પડી છે. ટ્રમ્પે ફરીથી યુક્રેનિયન સંઘર્ષના ઝડપી અંતમાં રસ દર્શાવ્યો છે.
બીજી તરફ પુતિને ઇરાન યુદ્ધનો વહેલો અંત લાવવા માટે કેટલાક પ્રસ્તાવો રજૂ કર્યા. ઉષાકોવે
કહ્યું કે બંને નેતાએ યુક્રેન સંઘર્ષ અને વૈશ્વિક તેલ બજારના સંદર્ભેમાં વેનેઝુએલાની
પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. દરમિયાન યુરોપિયન યુનિયનના અર્થતંત્ર અને ઉત્પાદકતા
કમિશનર વાલ્ડીસ ડોમ્બ્રોવસ્કીસે જણાવ્યું છે કે, વ્યૂહાત્મક તેલ
ભંડારના ઉપયોગ અંગે હજુ સુધી કોઇ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. જે ચોક્કસ આ પ્રકારની
પરિસ્થિતિ માટે રાખવામાં આવી રહ્યો છે. સીબીએસ ન્યૂઝ વ્હાઇટ હાઉસના સંવાદદાતા વેઇજિયા
જિયાંગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે, ઇરાન
સામેનું યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થઇ ગયું છે. `મને લાગે છે કે, યુદ્ધ લગભગ સમાપ્ત થઇ ગયું છે.' ટ્રમ્પે કહ્યું `મને લાગે
છે કે, ઇરાન પાસે નૌકાદળ છે, ન તો સંદેશાવ્યવહાર છે, ન તો હવાઇદળ છે. યુદ્ધ માટે અમેરિકા તેનાં ચાર-પાંચ અઠવાડિયાના પ્રારંભિક અંદાજ
કરતાં ઘણું આગળ છે.