• સોમવાર, 09 માર્ચ, 2026

રોકડનું વધતું ચલણ

રોજબરોજના વ્યવહારોમાં રોકડનું પ્રમાણ ખાસ્સું ઊંચું છે, સત્તાવાર આંકડા મુજબ ગત જાન્યુઆરી મહિનામાં વિક્રમી 40 લાખ કરોડની કરન્સી સર્ક્યુલેશનમાં હતી, જે ગયાં વર્ષે આ સમયગાળાની સરખામણીમાં 11.1 ટકા જેટલો વધારો સૂચવે છે. ડિજિટલ પેમેન્ટની દિશામાં આગળ વધવાની સરકારી પહેલ છતાં દેશના નાગરિકો હજી પણ મોટાં પ્રમાણમાં રોકડમાં વ્યવહાર કરે છે. છેલ્લા એક દાયકામાં કરન્સી હોલ્ડિંગ્સમાં સ્થિર વધારો થયો હોવાનું જોવા મળે છે. ભારતમાં હજી પણ લોકોને હાર્ડ કેશમાં વિશ્વાસ છે અને એનાં કારણો પણ વ્યાપક છે. જો કે, આ સાથે જ ડિજિટલ પેમેન્ટમાં પણ સાતત્યપૂર્વક વધારો થતો હોવાનું જોવા મળી રહ્યું છે અને છતાં રોકડ પરનો મદાર, વિશ્વાસ અને ઢોળાવ ચોંકાવનારો છે. 2025માં આ સમયગાળામાં જ કરન્સી ઇન સર્ક્યુલેશનમાં 5.3 ટકા જેવો વધારો થયો હતો. આથી આ વખતે તેમાં બમણા જેટલો ઉછાળો આવ્યો છે.  માસિક યુપીઆઇ વ્યવહારો રૂા. 28.3 લાખ કરોડની આસપાસ પહોંચ્યા હોવાનું એસબીઆઇએ હાથ ધરેલા સંશોધનમાં સામે આવ્યું છે, જે અર્થતંત્રમાં કુલ કેશ સ્ટોકના 70 ટકા જેટલું છે. આમ છતાં, રોકડ પ્રત્યે ભારતીયોનું વળગણ ઓછું થતું નથી. જુલાઈ 2025માં એકલા કર્ણાટકમાં 18,000 જેટલી જીએસટી ડિમાન્ડ નોટિસો જારી કરવામાં આવી હતી. અનેક નાના વેપારીઓ આનાં કારણે યુપીઆઇ કે ડિજિટલ પેમેન્ટથી કેશ તરફ વળ્યા હતા. કર્ણાટકની જેમ પશ્ચિમ બંગાળ, કેરળ, બિહાર અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં પણ ડિજિટલ પેમેન્ટ તરફ ઉદાસીનતા વધતી હોવાનું આંકડા કહે છે. આ રાજ્યોમાં એટીએમ દ્વારા નાણાં કઢાવવાનું પ્રમાણ કર્ણાટકમાં 2025ના જુલાઈ મહિનાઓમાં મોકલવામાં આવેલી જીએસટી નોટિસો પછી વધ્યું હોવાની ચોંકાવનારી માહિતી એસબીઆઇએ હાથ ધરેલાં સંશોધનમાં સામે આવી હતી. જીએસટીનાં વર્તુળમાં આવવાથી બચવા ફરી રોકડમાં વ્યવહાર કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે, તો બેન્ક થાપણો પર વ્યાજદર ઘટી રહ્યા હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકો રોકડ પોતાની પાસે રાખવાનું વધુ પસંદ કરતા હોવાનું વલણ જોવા મળી રહ્યું છે. એક શક્યતા એવી પણ છે કે, સોનાં-ચાંદીના આસમાને પહોંચેલા દરોને કારણે લોકોએ આ મોંઘી ધાતુઓ વેચી રોકડી કરી લીધી હોય અને આથી તેમની પાસે રોકડ વધી હોઈ શકે. રૂપિયા બે હજારની ચલણી નોટ પાછી ખેંચાવાને કારણે મધ્યમ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ ચલણમાં વધ્યું છે. એ જ રીતે 20 રૂપિયાથી ઓછાં મૂલ્યની નોટોનું મહત્ત્વ ચલણમાં ઓછું થયું છે. અર્થશાત્રીઓ કહે છે કે, આ ટ્રેન્ડ ચિંતાજનક નથી, કેમ કે, એકંદર લોકો વધુ રોકડ ધરાવે છે, પણ કેશ-ટુ-જીડીપી ગુણોત્તરમાં ઘટાડો થઈ રહ્યો છે અને જે રીતે યુપીઆઇ વ્યવહારોમાં વૃદ્ધિ થઈ રહી છે. આમ લોકો પાસે રોકડ વધુ હોવા છતાં ચલણમાં તેનું પ્રમાણ બહુ વધ્યું નથી, એવી દલીલ નિષ્ણાતો કરી રહ્યા છે. 

Panchang

dd