ઈરાન ઉપરનું ઇઝરાયલ અને અમેરિકાનું આક્રમણ ક્યાં સુધી ચાલશે? લડાઈ ક્યારે બંધ થશે? શરૂઆતમાં આ પ્રશ્નનો જવાબ હતો-બે-ચાર દિવસમાં! પણ હવે એમ લાગે છે કે,
લડાઈ લાંબી ચાલશે. ઇરાન ખોખરું થવા છતાં વળતા મિસાઇલ હુમલા કરી રહ્યું
છે. એટલું જ નહીં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોની માફી માગતાં હવે હુમલા
નહીં કરવાની ખાતરી આપી છે, તેમ છતાં યુએઇ પર મિસાઇલ-ડ્રોન હુમલા
ચાલુ છે. વિયેતનામમાં જે રીતે અમેરિકાએ થાકીને, માર ખાઈને પીછેહઠ
કરી તેવું જ ઈરાનમાં થશે એમ ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે. ટ્રમ્પે આક્રમણ કરવાનો
નિર્ણય લીધો તે પહેલાં જ લશ્કરી નિષ્ણાતોએ એમને ચેતવ્યા હતા કે, આસાન નથી. અમેરિકાને આ લડાઈ ભારે પડી શકે એમ છે. ટ્રમ્પનું ગુમાન કંઈ ઓર જ
હતું, તેમાં ઇઝરાયલ અને સાઉદી અરબે વધુ ચાનક ચડાવી. હવે ટ્રમ્પ
કહે છે, ખોમેની મને પકડે તે પહેલાં મેં એને પતાવી દીધો ! પણ લડાઈ
`પતાવી'
શકાશે? ઇરાને સૈન્ય તાકાત ઘણી ગુમાવી છે. ટ્રમ્પ-ઇઝરાયલ
તેની હવાઇ સરહદ કબજે કરી લીધાનો દાવો કરે છે, પણ તેહરાન ઝૂકવાના
મૂડમાં નથી. ઇરાને તે વિના શર્ત શરણાગતિ સ્વીકારે એવી ટ્રમ્પની વાતને સપનું લેખાવ્યું
છે. ઇઝરાયલ અને અમેરિકાના એરફોર્સની શક્તિ અજોડ છે. ચીનનાં શત્રો પણ પાછાં પડે છે અને
તેથી લડાઈમાં ઈરાનના પક્ષે જોડાવાની ઉતાવળ ચીનને નથી. રશિયા અને ચીન બંનેએ આક્રમણને
વખોડતાં નિવેદન કર્યાં છે, પણ વિશ્વના કોઈ દેશ હજી માથું મારવા
તૈયાર થયા નથી. ભારત - વડાપ્રધાન મોદીએ આરબ અમીરાત, કુવૈત,
જોર્ડન વગેરેનો સંપર્ક સાધીને સંવાદ અને સમજૂતીનો આગ્રહ ર્ક્યો છે,
પણ લડાઈમાં ઊતરેલા નેતાઓ વાર્યા નહીં વરે, તો હાર્યા
પાછા ફરશે? એક વાત નક્કી છે કે, ઈરાન અમેરિકાને
હરાવી શકે નહીં. ઈરાન પણ જાણે છે છતાં લડે છે. હકીકતમાં ઈરાનનો વ્યૂહ લડાઈ લંબાવવાનો
અને રણમેદાન વ્યાપક વિસ્તૃત બનાવવાનો છે. પશ્ચિમ એશિયામાં જેટલા દેશોમાં અમેરિકાનાં
લશ્કરી મથકો છે - તેના ઉપર ઈરાને હુમલા જારી રાખ્યા છે. સાઉદી અરબના પાટનગર રિયાધમાં
અમેરિકી એમ્બેસી ઉપર હુમલો કરીને ભારે નુકસાન ર્ક્યું, છાપરાં
પણ ઉડાવી દીધાં તે નાનીસૂની વાત નથી. આખરે અમેરિકાએ એમ્બેસી બંધ કરી અને સમગ્ર પશ્ચિમ
એશિયામાં અમેરિકન નાગરિકોને વિસ્તાર છોડીને સલામતી શોધવા જણાવ્યું છે! ઇઝરાયલમાં પણ
ઈરાનની ડ્રોન સેનાએ ઘણું નુકસાન ર્ક્યું છે. દુબઈ તો સલામત સ્વર્ગ ગણાય - તેના ઉપર
પણ સફળ હુમલા થયા છે. ઈરાનનો વ્યૂહ રણમેદાન વિસ્તૃત કરવાનો છે અને હજુ સુધી સફળ થયો
છે. આ ઉપરાંત હોર્મુઝ ખાડી બંધ કરવાથી વિશ્વનાં અર્થતંત્ર માટે આફત છે. ક્રૂડતેલ અને
વ્યાપારનાં ટેન્કરો સાથે વિશાળ જહાજો અટવાઈ ગયાં છે. આપણી પાસે ક્રૂડતેલનો અનામત જથ્થો
- સ્ટોક છે, પણ ક્યાં સુધી ચાલશે ? ક્રૂડતેલના
ભાવ વધવા લાગ્યા છે. ભારત જ નહીં, દુનિયાના તમામ દેશો માટે આર્થિક
કટોકટી ઊભી થઈ શકે છે. તેલ સાથે અન્ય તમામ જીવન જરૂરી સામાનના ભાવ વધે તો સામાજિક અશાંતિ
અને રાજકીય અરાજકતા ઊભી થાય અને આ સ્થિતિ માટે આખરે તો જવાબદારી અમેરિકાની જ ગણાય. અમેરિકા અને યુરોપમાં પણ લડાઈ વિરોધી દેખાવો થઈ
રહ્યા છે. માત્ર મુસ્લિમો નહીં, તમામ લોકો લડાઈનો વિરોધ કરે છે.
આક્રમણ-લડાઈ જાહેર કરવાની સત્તા માત્ર અમેરિકી સંસદ - કોંગ્રેસને છે, પણ ટ્રમ્પે તેને હાંસિયામાં ધકેલીને અમેરિકાને લડાઈમાં ધકેલ્યું છે,
તેથી રાજકીય વિરોધ પણ વધ્યો છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીને
`પતાવી'
દીધા, પણ એમનું લક્ષ્ય ઈરાનમાં શાસનતંત્ર બદલી
નાખવાનું છે, જે આસાન નથી. ખોમેનીનાં સ્થાને યોગ્ય નેતા હોય,
તો પણ ઈરાન ઉપર અંકુશ રાખી શકે? બોમ્બમારામાં ઈરાને
જે સહન કર્યું છે તે નજીકના ભવિષ્યમાં ભૂલાશે નહીં અને નવી સરકાર - જેને પણ બેસાડાય
- તેના માટે મોટો પડકાર હશે. આખરે આ લડાઈમાં જીતશે કોણ ? ટ્રમ્પ
તો કહેશે અમે કામ `પતાવી' દીધું કહીને ઘરભેગા થઈ જશે એમ ઈરાન માને છે
! આખરે વિશ્વનાં અર્થતંત્રની હાર અને ખાનાખરાબી નિશ્ચિત છે તે વાત સ્વીકારવા કોણ તૈયાર
થશે ?