• બુધવાર, 11 માર્ચ, 2026

દુબઇમાં ફસાયેલા ભારતીયોને મળી `કચ્છી' હૂંફ

ભુજ/દુબઇ, તા. 10 : વતનપ્રેમી કચ્છીઓ માતૃભૂમિની હાકલ પડે એટલે મદદરૂપ બનવા દોડી આવે છે એ તો ખરું, પણ જ્યાં વસે છે એ પરદેશની કર્મભૂમિમાં પણ કચ્છી આતિથ્યભાવના અને મુસીબતમાં મુકાયેલાને બનતી મદદ કરવાના સંસ્કાર ભૂલતા નથી. દુબઇમાં પોણા ત્રણ દાયકાથી વસતા મૂળ વાગડના યોગેશ દોશી અને અશોક દોશીએ અખાતી યુદ્ધ પછીના સંજોગોમાં દુબઇમાં ફસાઇ ગયેલા ભારતીઓની ભરપૂર મદદ કરી. એમણે 64 યુનિટ એપાર્ટમેન્ટ્સ ફ્લેટ ખોલી આપ્યા અને ખાવા - પીવા, મનોરંજનનીય વ્યવસ્થા કરી આપી હતી. યોગેશભાઇ દોશી શાંતિનિકેતન ફાઉન્ડેશન સાથે કચ્છ - ગુજરાતમાં હૃદયરોગ નિવારણ, પર્યાવરણ જતનનાં કામો કરે છે. દુબઇમાં અલ મિઝાન ગ્રુપ તેમનું કારોબારી એકમ છે. શ્રી દોશીએ કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, પરિસ્થિતિ ચિંતાજનક હતી. ઇરાનના ડ્રોન હુમલા છતાં દુબઇ સુરક્ષિત છે, પરંતુ એરપોર્ટ બંધ થઈ ગયાં-વિમાન સેવા રદ થતાં સેંકડો ગુજરાતી - ભારતીયો મુસીબતમાં મુકાયા હતા. પરિવાર સાથે ફરવા આવેલા આ લોકો માટે રહેવું ક્યાં એ ગંભીર પ્રશ્ન હતો.કચ્છી માડુએ દિલથી વિચાર્યું ને કામે લાગ્યા. હકીકતમાં અશોક દોશી દુબઇ સ્થિત ઇન્ડિયન પીપલ્સ ફોરમના વાઇસ પ્રેસિડેન્ટ છે. ઇન્ડિયન કોન્સ્યુલેટ સાથે સંપર્કમાં હતા. આમ ભારતીયો માટે 64 એપાર્ટમેન્ટ્સ ફ્લેટ ખોલી આપ્યા. નીલાબેન યોગેશ દોશી કહે છે કે, અલ મિઝાન ગ્રુપ, આઇ.પી.એફ. મેમ્બર તથા દોશી પરિવાર એક્ટિવ હતો. સૌને ભરોસો બેસાડયો કે, તમે પોતાનાં ઘરમાં જ છો, સુરક્ષિત છો... ઇન્ડિયા પરિવારજનોને કહી દ્યો કે, ચિંતા ન કરે... એક મહિનો લાગશે, તોય વાંધો નથી. બધાને સ્વીમિંગ પુલ, ગેમ્સ, ટેલિવિઝન અને સારા ફૂડથી એન્ટરટેઇન કરવામાં આવી  રહ્યા છે. હવે તો વિમાન સેવા ધીમે ધીમે શરૂ થઇ છે. હજુ પણ વીસેક પરિવાર તેમની સંભાળમાં છે. IPF UAEના ઉપપ્રમુખ અશોક દોશીની પહેલ હેઠળ અને અલ મિઝાન ગ્રુપના અધ્યક્ષ યોગેશ દોશી તરફથી ફસાયેલી વ્યક્તિઓ અને તેમના પરિવારોને આશ્રય આપવા માટે બહુવિધ સજ્જ બે બેડરૂમવાળા 20 એપાર્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. પરિવારોને જિમ્નેશિયમ અને સ્વામિંગ પુલ જેવી રહેણાક સુવિધાઓનો ઉપયોગ કરવાની સાથે દોશી પરિવારના નીલા દોશીએ આ મહેમાનોને સકારાત્મક માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા છે. પર્લ દોશી દ્વારા બાળકોને રમકડાં અને ચોકલેટ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. મહેમાનોના ઉત્સાહને વધારવા માટે અલ મિઝાન ગ્રુપ દ્વારા ભારત - ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ફાઇનલનું ક્રીનિંગ પણ યોજાયું હતું. UAE સાથેના તેમના સંબંધો વિશે કહેતાં યોગેશ દોશીએ જણાવ્યું કે, `હું ખરેખર UAEના વિઝનરી નેતૃત્વમાં આદર સાથે વિશ્વાસ રાખું છું. સલામતી, સુરક્ષા અને એકતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે હું ઞઅઊના નેતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે એક એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં રહેવાસીઓ, રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના માત્ર સલામત જ નહીં, પણ મૂલ્યવાન અને સમ્માન પણ અનુભવે છે. 

Panchang

dd