• બુધવાર, 11 માર્ચ, 2026

અંજારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શિરદર્દ સમાન

અંજાર, તા. 10 :  શહેરના વિવિધ વિસ્તારોમાં હાલમાં ચાલી રહેલી વિજલાઈનની અંડરગ્રાઉન્ડ કેબાલિંગની કામગીરીના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગોતરા કે યોગ્ય આયોજન વગર હાથ ધરવામાં આવેલાં આ કામને પગલે પડતી મુશ્કેલીઓને કારણે શહેરીજનોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે. કેબલ નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થતાં રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ગઈ છે, ઠેર-ઠેર પડેલાં ગાબડાં, અધૂરા છોડી દીધેલા ખાડાઓ અને જમીન પર રઝળતા ખુલ્લા વાયરોના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને  ગંભીર અકસ્માતની ભીતિ સતત સેવાઈ રહી છે. રાત્રિના સમયે આ ખુલ્લા ખાડાઓ જીવલેણ સાબિત બનવાની દહેશત શહેરીજનોને સતાવી રહી છે. ખાસ કરીને અંજાર શહેરની મુખ્ય બજારમાં પડેલા મસમોટા ખાડાઓના કારણે  ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાય છે, જેથી  વેપારીઓ અને બજારમાં આવતા સામાન્ય નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે તેમજ રાજિંદા કામકાજ પર માઠી અસર પહોંચી રહી છે.  ખરીદી માટે બજારમાં આવતા ગ્રાહકોને પણ વાહન પાર્કિંગમાં ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.  અધૂરી અને આયોજનવિહોણી કામગીરી તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે, ખોદેલા રસ્તાઓમાં સત્વરે ડામર કે પેવરબ્લોક પથરાય, ખુલ્લા વાયરો સુરક્ષિત કરી લોકોને પડતી મુશ્કેલીઓનો સત્વરે અંત લાવવામાં આવે  તેવી પ્રબળ માંગ વેપારીવર્ગ અને શહેરીજનેમાં પ્રબળ બની છે. 

Panchang

dd