કેન્દ્ર સરકારની સામે સતત રાજકીય સંઘર્ષમાં ઊતરતા રહેતા પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વખતે તેમના રાજ્યની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુના સત્તાવાર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને વધુ એક વિવાદ છેડયો છે. ભારત
જેવા લોકશાહી દેશના બંધારણીય વડા અને લોકતંત્રના સિદ્ધાંતોના પ્રતીક સમાન રાષ્ટ્રપતિની
ગરિમા જાળવવાની જવાબદારી દરેક ભારતીયની બની રહે છે,
પણ આ હકીકતની જાણી જોઈને અવગણના કરીને મમતાએ પોતાની નકારાત્મક માનસિકતા
વધુ એક વખત છતી કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુની તાજેતરની પશ્ચિમ બંગાળ મુલાકાત દરમ્યાન
જે રીતે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે સત્તાવાર પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું તેનાથી
દેશ આખામાં ભારે નારાજગી છે. સાતમી માર્ચના
રાષ્ટ્રપતિએ સિલીગુડીના ફાંસીદેવા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સંથાલ કોન્ફરન્સમાં હાજરી
આપી હતી. આદિવાસી સમાજની સાંસ્કૃતિક પરંપરા અને અસ્મિતા સાથે સીધી રીતે જોડાયેલા આ
મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં આદિવાસી રાષ્ટ્રપતિની હાજરીએ આ આયોજનનાં મહત્ત્વને વધારી
દીધું હતું. આવા મહત્ત્વના કાર્યક્રમમાં સહયોગ ન આપીને રાજ્ય સરકારે પોતાની નકારાત્મકતા
બતાવી આપી છે. હદ તો ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રપતિ
રાજ્યમાં આવે ત્યારે તેમને આવકારવાના સત્તાવાર પ્રોટોકોલની ધરાર અવગણના થઈ હતી. આવા સમયે સામાન્ય પ્રોટોકોલ એવો હોય છે કે,
ખુદ મુખ્યમંત્રી કે રાજ્યના વરિષ્ઠ મંત્રી તેમનું સ્વાગત કરે. આ સામાન્ય
જણાતી બાબત ખેરખર તો બંધારણીય શિષ્ટાચાર છે અને લોકશાહીના સંસ્કારનો ભાગ છે,
પણ મમતા બેનર્જી કે તેમના કોઈ મંત્રી રાષ્ટ્રપતિને આવકારવા આવવાની તસ્દી
લીધી ન હતી. આ ઓછું હોય તેમ રાજ્ય સરકારે છેલ્લી
ઘડીએ કાર્યક્રમનાં સ્થળને બદલાવી નાખ્યું હતું. નવું સ્થળ નાનું હોવાથી સંખ્યાબંધ લોકો
ત્યાં પ્રવેશી શક્યા ન હતા. રાષ્ટ્રપતિએ આ
અવગણનાની નોંધ લઈને એવી પ્રતિક્રિયા આપી હતી કે, એમ જણાય છે કે,
બંગાળ સરકાર આદિવાસીઓના હિતો માટે ગંભીર નથી. રાષ્ટ્રપતિની આ નાની એવી
પ્રતિક્રિયા તેમની મનોસ્થિતિનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે. આવા પ્રસંગોએ પોતાના બચાવમાં
ગમે એટલી હદે જતા રાજકારણીઓની પ્રકૃતિ ધરાવતા મમતાએ પ્રોટોકોલના ભંગના વિવાદમાં પ્રતિભાવ
આપીને પોતાની નકારાત્મક માનસિકતા વધુ છતી કરી
છે. તેમણે એમ કહ્યંy કે, તેઓ રાષ્ટ્રપતિનું સન્માન કરે છે, પણ જો તેઓ અહીં પ0 વખત આવે તો
દરેક કાર્યક્રમમાં જવાનું તેમના માટે શક્ય નથી. સ્વાભાવિક રીતે આ પ્રતિભાવ મુખ્યમંત્રીના
હોદ્દાની ગરિમાને અનુરૂપ નથી. સ્વાભવિક રીતે આ વિવાદે રાજકીય સ્વરૂપ લઈ લીધું છે. વડાપ્રધાન
સહિતના મહાનુભાવોએ મમતાની ઉપર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. આ આખો કિસ્સો માત્ર એક
કાર્યક્રમના પ્રોટોકોલ પૂરતો મર્યાદિત નથી. આનાથી
રાજકીય માનસિકતા બંધારણીય હોદ્દાના અપમાન સુધી પહોંચી જતી હોવાનું છતું થાય
છે. રાષ્ટ્રપતિનો હોદ્દો રાજકીય પક્ષપક્ષી અને સરકારોથી ઉપર હોય છે એ વાત નેતાઓ હવે
અવગણતા થયા હોવાની ઘટના ખરા અર્થમાં ચિંતા જગાવે તેવી છે. આવો પ્રથમ કિસ્સો વિપક્ષ શાસિત અન્ય રાજ્યો અને
તેના મુખ્યમંત્રીઓની માટે ખોટી પ્રરણા આપે નહીં તે લોકશાહીના હિતમાં ભારે જરૂરી છે.