નવી દિલ્હી, તા. 10 : અમેરિકા-ઈઝરાયલના ઈરાન સાથેના યુદ્ધની આગ હવે ભારત પહોંચી છે. હોર્મુઝ જળમાર્ગના રસ્તે એલએનજી ગેસનો પુરવઠો ઠપ થઈ જવાથી દેશમાં ઘરેલુ ગેસની તંગી શરૂ થઈ છે. અનેક રાજ્યે કોમર્શિયલ ગેસનો પુરવઠો રોકતાં હોટેલ-રેસ્ટોરેન્ટ વ્યવસાય બંધ થવાની અણીએ છે. દરમ્યાન, ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ઘરેલુ ગ્રાહકો માટે ગેસનો પુરવઠો જળવાઈ રહે તે જોવા આદેશ આપ્યા હતા. કેન્દ્ર સરકારે ગેસ સહિતની જરૂરી ચીજોની જમાખોરી અટકાવવા માટે દેશભરમાં `આવશ્યક વસ્તુ અધિનિયમ-1955' લાગુ કર્યો છે. નાની હોટેલ અને ભોજનાલયના સંચાલકોએ સરકાર પાસે ગેસ પુરવઠો બહાલ કરવાની માંગ કરી છે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન મોદીએ યોજેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી હાજર રહ્યા હતા. આ બેઠકમાં હોર્મુઝ ખાડીનો રસ્તો બંધ થવાને કારણે ખોરવાયેલા પુરવઠાનો વિકલ્પ શોધવાની પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે કેન્દ્ર સરકારનું ધ્યાન ઘરેલુ ગ્રાહકોને ગેસ સિલિન્ડરનો જથ્થો ઓછો ન થાય તે નિશ્ચિત કરવા પર છે. પરિણામે, ઔદ્યોગિક એકમોને પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે અને ઓછા કોમર્શિયલ સિલિન્ડર પૂરા પાડવામા આવી રહ્યા છે. નવી અધિસૂચના મુજબ હવે એલપીજી ઉત્પાદન કરનારી કંપનીઓને પ્રાથમિકતાની શ્રેણીમાં મૂકવામાં આવી છે. તેલ રિફાઈનરીઓમાં એલપીજીનું ઉત્પાદન 10 ટકા વધારી દેવામાં આવ્યું છે. તમામ રિફાઈનરી 100 ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ભારતની સ્થિતિ વિશ્વના અન્ય દેશોની તુલનાએ સારી છે. અધિકારીઓ અનુસાર દેશમાં હાલમાં એલપીજી સંકટ નથી. દરમ્યાન, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો રોકવામાં આવતાં હોટેલ-રેસ્ટોરેન્ટ વ્યવસાયને ગંભીર ફટકો પડયો છે. નેશનલ રેસ્ટોરેન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયાએ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું કે દિલ્હીના રેસ્ટોરેન્ટસમાં એલપીજીનો જથ્થો ઘટી રહ્યો છે. જો સ્થિતિમાં કોઈ ફેર પડશે નહીં તો ચાર દિવસની અંદર હોટેલો બંધ કરવાની સ્થિતિ સર્જાશે. ઉત્તરપ્રદેશમાં બુકિંગના ચાર-પાંચ દિવસ બાદ પણ ગેસ સિલિન્ડરની ડિલીવરી મળી રહી નથી. મુંબઈમાં આશરે 20 ટકા હોટેલ-રેસ્ટોરેન્ટ બંધ થઈ ગયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં પણ રેસ્ટોરેન્ટ વ્યવસાયને ગંભીર ફટકો પડયાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. - ભારતીય ગ્રાહકોને નુકસાન ન થાય તે માટે મંત્રીઓ સંકલનથી કામ કરે : મોદી : નવી દિલ્હી, તા. 10 (પીટીઆઈ) : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિવિધ મંત્રીઓ સાથે વાત કરી હતી અને ભારતીય ગ્રાહકો પર પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અને ભાવની અસર ન થાય તે માટે સાયુજ્યથી કામ કરવા કહ્યું હતું. ભારત ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો ચોખ્ખો આયાતકાર હોવાથી ભારતીય ગ્રાહકોને નુકસાન ન થાય તે માટે મોદીએ વિદેશમંત્રી જયશંકર, તેલમંત્રી હરદીપ સિંહ પુરી, નાણામંત્રી નિર્મલા સીતારામન અને વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલને મળ્યા હતા અને દેશની ઊર્જા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ સાથે તેમણે મંત્રીઓને સંકલનમાં કામ કરવાની સલાહ આપવા સાથે ખાતરી કરવા જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશો અને એલપીજીની અછત ન સર્જાય.