નવી દિલ્હી, તા. 10 : કોરોના વેક્સિનની
આડઅસરોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાતો રહે છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આજે કોવિડ રસીને લગતી અરજીઓને લઈને એવો ચુકાદો આપ્યો
હતો કે, સરકાર રસીકરણની આડઅસરો માટે વળતર આપે અને એ માટે નો ફોલ્ટ
કમ્પનસેશન એટલે કે વેક્સિનને લીધે કે દવાને લીધે કોઈ વ્યક્તિની તબિયત બગડી જાય કે નુકસાન
થાય તો તેમાં કોઈની ભૂલ સાબિત થાય કે નહીં, એ વ્યક્તિને વળતર
આપવું જ પડે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે એમ પણ જણાવ્યું હતું
કે, રસીકરણની આડઅસરોના નિરીક્ષણ માટે વર્તમાન સિસ્ટમ જ જારી રહેશે
એ માટે અલગથી અદાલત દ્વારા સૂચવેલી નિષ્ણાતોની સમિતિ બનાવવાની જરૂર નથી. જો કે,
સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે, વળતરની નીતિનો
એવો અર્થ નથી કે, સરકાર કે અન્ય કોઈ ઓથોરિટીએ પોતાની ભૂલ કબૂલી
લીધી છે. રચના ગંગૂ અને વેણુગોપાલે 2021માં એક અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, તેમની પુત્રીઓનાં મોત કોવિડ રસીની આડઅસરને લીધે
થયાં હતાં. દેશમાં કોરોના રસી બાદ અચાનક હૃદયાઘાતના કિસ્સાઓ બહુ વધી ગયા છે અને યુવા
વયે જ કાર્ડિયાક અરેસ્ટ માટે પણ કોરોના રસી
પણ કારણભૂત હોવાની ચર્ચા જારી છે એ વચ્ચે સુપ્રીમે આજે આ ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે
જણાવ્યું હતું કે, વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સના આંકડા સમયાંતરે
જાહેરમાં મૂકવા જોઈએ. સાથે જ અમારા ચુકાદાનો એવો મતલબ નથી કે વ્યક્તિ અન્ય કાયદાકીય
વિકલ્પોની મદદ નહીં લઈ શકે. ઉલ્લેખનીય છે કે, ગયાં વર્ષે નવેમ્બર
મહિનામાં આ અરજીઓ પર લાંબી સુનાવણી થઈ હતી અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કેરળ
હાઈકોર્ટે સઈદા કે.એ.ની અરજી પરથી રસીને લઈને વળતરની નીતિ તૈયાર કરવા માટે આપેલા વચગાળાના આદેશ વિરુદ્ધ સરકારે અરજી કરી હતી. એ પહેલાં
2022માં સરકારે પોતાના એક સોગંદનામામાં
દાવો કર્યો હતો કે, લોકો પોતાની
મરજીથી રસી લે છે, માટે સરકાર વળતર આપવા માટે જવાબદાર નથી.