નાગપુર, તા.20 : વન-ડે શ્રેણીની 1-2ની આંચકારૂપ હાર બાદ ટીમ ઇન્ડિયા
હવે નવા જોશ અને જુસ્સા સાથે ડાર્કહોર્સ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીમાં વિજયના
લક્ષ્ય સાથે બુધવારથી મેદાનમાં ઉતરશે, ત્યારે દેખાવ સુધારવા પર ધ્યાન આપવું પડશે. ટી-20 વર્લ્ડકપ અગાઉની આ અંતિમ શ્રેણી
છે. આથી બંને ટીમ માટે ઘણી મહત્ત્વની બની રહેશે. ખાસ કરીને આઉટ ઓફ ફોર્મ ભારતીય કપ્તાન
સૂર્યકુમાર યાદવ પર ફોર્મ વાપસીનું દબાણ રહેશે. બીજી તરફ કિવિઝ ટીમ ભારત ભૂમિ પર પહેલી
વન-ડે શ્રેણી જીત પછી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે અને હવે તેમની નજર ટી-20 શ્રેણી કબજે કરવા પર છે. ટીમનો
નિયમિત કપ્તાન મિચેલ સેન્ટનર પરત ફરી ચૂક્યો છે અને કિવિઝનું સુકાન સંભાળશે. પ્રથમ
ટી-20 મેચ બુધવારે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. સૂર્યકુમારે જ્યારે ટી-20 ટીમની કપ્તાની સંભાળી છે, ત્યારથી ભારતનું પ્રદર્શન શાનદર રહ્યું છે.
આ દરમિયાન જીતની ટકાવારી 72 ટકાથી વધુ
છે. તેની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા પાછલી 2પમાંથી 18 મેચ જીત્યા
છે. જો કે, કપ્તાનનો તાજ ધારણ કર્યા
પછીથી સૂર્યાના બેટને કાટ લાગી ગયો છે. તે પાછલા 19 ટી-20 મેચથી એક પણ અર્ધસદી કરી શક્યો
નથી. આ દરમિયાન ફક્ત 218 રન કર્યા
છે. જો કે, આઇપીએલને લીધે ટીમ ઇન્ડિયા
પાસે વૈકલ્પિક ખેલાડીઓની ફોજ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની યુવા ટીમ મજબૂત અને હાર ન
માનનારી ટીમ છે. તે ગયા વર્ષે ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયાનો 3-0થી સફાયો કરી ચૂકી છે. હવે
વન-ડે શ્રેણી જીતી છે. હવેનું લક્ષ્ય ટી-20 શ્રેણી કબજે કરવા પર છે. ટી-20 વર્લ્ડકપ બાદ કિવિઝ ટીમે 20 ટી-20 મેચમાંથી
13માં જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમને આક્રમક
ડાબોડી બેટધર તિલક વર્માની ખોટ પડશે. ઇજાને લીધે તે શરૂઆતની ત્રણ મેચની બહાર છે. આથી
મીડલઓર્ડરમાં સંજુ સેમસન અને અથવા ઇશાન કિશનને મોકો મળી શકે છે. હાર્દિક પંડયા અને જસપ્રિત બુમરાહની પણ વાપસી થઈ
છે. આ બેનાં આગમનથી ટીમ વધુ સંતુલિત બની છે.
કુલદીપના ખરાબ ફોર્મને લીધે વરૂણ ચક્રવર્તી પાસેથી સારા દેખાવની આશા રહેશે.