હૈદરાબાદ તા. 20 : ભારતની દિગ્ગજ અને પૂર્વ વિશ્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઇના
નેહવાલે આજે સત્તાવાર રીતે સંન્યાસની ઘોષણા કરી છે. સાઇનાના સંન્યાસ સાથે ભારતીય બેટમિન્ટનના
એક સોનેરી પ્રકરણ સમાપ્ત થયું છે. સાઇનાએ જણાવ્યું છે કે ઘૂંટણની જૂની ઇજાને લીધે તેના
માટે હવે નવા પડકારોનો સામનો કરવો સંભવ નથી. આથી નિવૃત્તિનો નિર્ણય લીધો છે. અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે પાછલા 3 વર્ષથી સાઇના
કોર્ટથી દૂર છે. તે પાછલા બે વર્ષથી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો હિસ્સો બની નથી. છેલ્લે
તે 2023ના સિંગાપોર ઓપનમાં જોવા મળી
હતી. સાઇનાએ 2012ના લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય
ચંદ્રક જીત્યો હતો. જયારે 2017ની વિશ્વ
ચેમ્પિયનશિપમાં પણ કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો. 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં સાઇના નેહવાલ ચેમ્પિયન બની હતી અને ગોલ્ડ
મેડલની દેશને ભેટ આપી હતી. સાઇનાએ તેની કેરિયર દરમિયાન ચીનની દીવાલ તોડી હતી અને મહિલા
સિંગલ્સમાં નંબર વન ખેલાડી બની હતી. મહિલા બેડમિન્ટનમાં આ સિદ્ધિ ભારત તરફથી ફકત સાઇના
નેહવાલ જ હાંસલ કરી શકી છે. આ ઉપરાંત તેણી સુપર સિરીઝ ખિતાબ જીતનારી ભારતની પહેલી શટલર
છે. સાઇના નેહવાલને ભારત સરકાર તરફથી દેશનો
સર્વોચ્ચ ખેલ પુરસ્કાર મેજર ધ્યાનચંદ એવોર્ડ વર્ષ 2010માં મળ્યો હતો. 20 વર્ષની કેરિયરની શરૂઆતમાં સાઇના જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનો
ખિતાબ પણ જીતી ચૂકી છે.