વડોદરા, તા. 20 : મહિલા પ્રીમિયર લીગની મંગળવારની
મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટથી હાર આપી હતી. કેપ્ટન જેમીમા
રોડ્રિગ્સની અણનમ 51 રનની ઇનિંગ્સ
અને ઓપનર લિઝેલ લીના 28 બોલમાં 46 રનની ઇનિંગ્સે દિલ્હીની જીતમાં
મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જીતના ઈરાદે મેદાને ઊતરેલી દિલ્હીની ટીમ વતી કેપ્ટન
રોડ્રિગ્સ (અણનમ)એ 37 દડાનો સામનો
કર્યો હતો અને પાંચ ચોગ્ગા-એક છગ્ગા ફટકારી 51 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી,
જ્યારે લીએ 28 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા લગાવી 46 રન કર્યા હતા, તો શૈફાલીએ 24 દડામાં 6 ચોગ્ગા સાથે 29 રન કર્યા હતા. મુંબઈની અમનજોત
કૌર અને વૈષ્ણવી શર્માને 1-1 વિકેટ સાંપડી
હતી. આ અગાઉ ઇંગ્લેન્ડની સ્ટાર બેટર નેટ સીવર બ્રંટની અણનમ અધસદીથી વીમેંસ પ્રીમિયર
લીગ (ડબ્લ્યૂપીએલ)ની મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ
ટીમના 20 ઓવરના અંતે પ વિકેટે 1પ4 રન થયા હતા. નેટ સીવર બ્રંટ 4પ દડામાં 6 ચોગ્ગા અને
2 છગ્ગાથી 6પ રને અણનમ રહી હતી. જયારે કપ્તાન હરમનપ્રિત
કૌરે 33 દડામાં 7 ચોગ્ગાથી 41 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું
હતું. સજીવન સજના 9, હેલી મેથ્યૂસ
12, નિકોલા કેરી 12, અમનજોત કૌર 3 રને આઉટ થઇ હતી. સંસ્કૃતિ ગુપ્તા પ દડામાં
1 છગ્ગાથી 10 રને અણનમ રહી હતી. આથી એમઆઇ
ટીમ 1પ4 રન સુધી પહોંચી શકી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી સ્પિનર શ્રી
ચારણીએ 3 વિકેટ લીધી હતી. મારીજાન કાપ અને નંદીની
શર્માને 1-1 વિકેટ મળી હતી.