માંડવી, તા. 16 : કચ્છમાં અનિયમિત અને અપૂરતા
વરસાદ વચ્ચે લીલાચારાના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ
દ્વારા 14માં વર્ષે 1 લાખ 41 હજાર કિલો લીલાચારાનું નીરણ કરાયું હતું. માંડવી ચેમ્બર પ્રમુખ
વાડીલાલ દોશીએ જણાવ્યું હતું કે, આ વખતે જિલ્લામાં અપૂરતા અને અનિયમિત
વરસાદના કારણે લીલાચારાના ભાવ આસમાનને આંબી રહ્યા છે. એક સમયે અઢી રૂપિયે કિલોના ભાવે
મળતા લીલોચારાના ભાવ એક તબક્કે કિલોના રૂ.10 પર પહોંચી ગયા હતા. જો કે,
જિલ્લાના અમુક વિસ્તારોમાં પડેલા પાછોતરા વરસાદના પગલે સીમમાં ઘાસચારો
ઉગી નિકળતા લીલાચારાના ભાવમાં આંશિક રાહત થઈ છે. આવી સ્થિતિમાં સંસ્થા દ્વારા 30 ગાડીઓના માધ્યમથી દાતાઓના આર્થિક
સહયોથી 5 લાખ 37 હજારના ખર્ચે 1 લાખ 41 હજાર કિલો
લીલાચારાનું નીરણ કરાયું છે. સંસ્થાના પ્રો. ચેરમેન નવીનભાઈ બોરિચા, ઉપપ્રમુખ પારસભાઈ શાહ, માનદમંત્રી નરેન્દ્ર સુરૂ, ખજાનચી ચંદ્રસેનભાઈ કોટક,
મંત્રી દિનેશભાઈ કોટક, ટ્રસ્ટી જેન્તીભાઈ શાહ,
સહ ખજાનચી નરેનભાઈ સોની વગેરે સેવાકાર્યમાં સહયોગી બન્યા હતા.