ભુજ, તા. 16 : નગરપાલિકાની ગઇકાલની સામાન્ય
સભામાં 190 ઠરાવનું વાંચન કર્યા વિના, સભ્યોના અભિપ્રાય લીધા વગર તેમજ મતદાન કરાવ્યા
સિવાય એકતરફી પૂર્ણ કરી દેવાયાના કચ્છ જિલ્લા કોંગ્રેસે વિરોધ સાથે મુખ્ય અધિકારીને
રજૂઆત કરી સામાન્ય સભા ફરીથી બોલાવાય અને તેમાં નિયમ મુજબ ઠરાવોનું વાંચન કરાય અને
દરેક ઠરાવ મતદાન માટે મૂકવાની માંગ કરાશે તેવું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. જિલ્લાના
પ્રમુખ વી.કે. હુંબલ અને શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીએ સુધરાઇના મુખ્ય અધિકારીને લેખિત
રજૂઆતમાં જણાવ્યું હતું કે, સચિવ તરીકે નિયમ વિરુદ્ધ ઠરાવ મુકાય
તે અટકાવવાની જવાબદારી છે અને મિનિટબુકમાં વાંધા સાથે અભિપ્રાય મૂકવાનો હોય પરંતુ એવું
થયું નહીં. એજન્ડા નં. 7ના તેમજ તમામ
190 ઠરાવાને આગામી સામાન્ય સભામાં
મૂકી વાંચન કરી મતદાન ઉપર મૂકી ત્યારબાદ માન્યતા અપાય તેવી રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી
કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જિલ્લા ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, મહામંત્રી ગનીભાઇ કુંભાર, પ્રવકતા અને નગર સેવિકા અંજલિ ગોર, નગરસેવકો ફકીરમામદ
કુંભાર, ચેતન શાહ, આદિલ જત, ચન્દ્રાબેન સોની, કાસમ કેવર, આઇસુબેન
સમા વિ. હાજર રહ્યા હતા. - આ મુદ્દા સામે કોંગ્રેસનો વિરોધ : ત્રણ માસે સામાન્ય સભાના નિયમને છેદ ઊડયો.
- એપ્રિલથી જૂનમાં 9 બોરની મોટર રિપેરિંગનો 6 લાખ ખર્ચ. - ગટર રિપેરિંગનો 9 કરોડનો ખર્ચ. - વોક-વે પેઇન્ટ માટે 37.50 લાખનું બજેટ. - ભારત છોડો ચળવળના વિરોધી શ્યામાપ્રસાદ મુખરજીનું
નામ વી.ડી. હાઇસ્કૂલથી જ્યુબિલી રસ્તાને આપવાનો ઠરાવ .- રામધૂનથી મહાદેવ નાકા સુધી રૂા. 1.25 કરોડના ખર્ચે બ્યૂટિફિકેશનનું
શું કામ થશે ? - આઇકોનિક રસ્તે 96 લાખનો ખર્ચ. - કર્મચારીઓને એરિયર્સ ચૂકવવા લોન લેવાનો ઠરાવ અને પ્રમુખ માટે
ગાડી લેવાનો ઠરાવ.