લખનઉ, તા. 16 : દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે
શુક્રવારે અહીં પત્રકાર પરિષદને સંબોધતાં દિલ્હીમાં થયેલા પ્રદર્શનો પર સવાલ ઊઠાવ્યા
હતા. રાજનાથે કહ્યું હતું કે, કોંગ્રેસ,
રાહુલ ગાંધી અને તેના સાથી પક્ષો દેશના યુવાનોને ભટકાવી રહ્યા છે. બાંગલાદેશની
જેમ દેશમાં બળજબરીથી સરકાર બદલવા માગે છે. તેમનો એજન્ડા લોકતાંત્રિક સંસ્થાઓને ખતમ
કરવા સાથે દેશમાં આતંક ફેલાવવાનો છે, તેવા પ્રહારો તેમણે કર્યા
હતા. રાજનાથે રાહુલને પૂછ્યું હતું કે, શું આપ સપાના સમર્થન વિના
પોતાની રાયબરેલી બેઠક જીતી શકશો? કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર
પ્રધાને પ્રતિક્રિયા આપતાં આંદોલનના હેતુ ઉપર સવાલ ઊઠાવ્યો હતો અને આરોપ મુક્યો હતો
કે, દેશહિત, વ્યવસ્થા સુધારવા અને છાત્રોના
હિતનાં નામે શરૂ થયેલા પ્રદર્શનનું અસલી ચરિત્ર સામે આવ્યું છે. છાત્રોની આડમાં દેશમાં
અરાજકતા ફેલાવવા અને રાજનીતિક વ્યવસ્થા અસ્થિર
કરવાનું કાવતરું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સીજેપી સ્ટાઈલમાં જ જવાબ આપ્યો હતો.
ફડણવીસે પ્રશાંત ભૂષણના સત્તા પરિવર્તનની ઈચ્છા વ્યક્ત કરતા નિવેદનને શેર કરતાં લખ્યું
હતું કે, `ઈટ્સ ડન બ્રો, એવરીથિંગ ઈઝ એક્સપોઝ્ડ'. અંતે તમામ હરકતો સત્તા પરિવર્તન માટે હતી. કોંગ્રેસ 37 વર્ષથી ઉત્તરપ્રદેશમાં સત્તાથી
બહાર છે. આવું મતચોરીના કારણે નહીં, પરંતુ કામચોરીના કારણે છે, તેવા પ્રહાર સિંહે કર્યા હતા. લખનઉમાં કોંગ્રેસ કાર્યાલયમાં મારપીટ પર
સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસના
લોકોને એકબીજા પર ભરોસો નથી. એટલે જ આવી રીતે આપસમાં મારપીટ કરતા જોવા મળે છે. દેશના
યુવાનોને અરાજકતાની રાજનીતિના મહોરા બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. રાહુલે વોટચોરીને
હાઈડ્રોજન બોમ્બ લેખાવ્યો હતો, પરંતુ તે ફટાકડો પણ ન નીકળ્યો
તેવા પ્રહાર તેમણે કર્યા હતા.