નલિયા, તા. 16 : અબડાસા તા.ના વાયોર ગામ નજીક
આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની જમીન પર આશરે ત્રણ કિ.મી.ના વિસ્તારમાં ડસ્ટ અને આલ્કલી
વેસ્ટના ખુલ્લા મોટા ઢગલા કરાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ મુદ્દે `લોકલ મજૂર અને ટ્રક યુનિયન'
દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચ્છને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક
સ્થળ તપાસ અને કાર્યવાહીની માંગ કરાઈ હતી.
રજૂઆત મુજબ ખુલ્લામાં રાખેલા આ ઔદ્યોગિક કચરાની ધૂળ-પવનના કારણે આસપાસના રહેણાક
વિસ્તારો અને ખેતરોમાં ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિક લોકોનાં
આરોગ્ય અને ખેતીની જમીન પર ગંભીર અસરો થવાની ભીતિ છે. આ બાબતે મુખ્યમંત્રી, જિલ્લા
કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત પણ કરાઇ હતી.