નવી દિલ્હી, તા. 16 : આર્ટિફિશિયલ
ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા વેબસાઈટો હેક કરવાનો પ્રયાસ અને ડેટા સુધી પહોંચના અલગ અલગ
બનાવોએ દુનિયાને સાબદી બનાવી છે. તેવામાં એક
ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે કે એઆઈ એજન્ટ્સે ઘણી ભારતીય કંપનીઓના ગોપનીય ડેટા
સુધી પહોંચ મેળવી છે અને હેકર્સ તેનો દુરુપયોગ કરી શકે છે. આ મામલે ભારત સરકાર અંતર્ગત
કામ કરતી સાયબર સુરક્ષા સીઈઆરટી-આઈએનએ એક એડવાઈઝરી જાહેર કરી છે. આવા સાયબર હુમલા બે
પ્રકારના હતા. એકમાં એઆઈ મોડલ્સ ઉપર રિસર્ચ દરમિયાન ભૂલથી કંપનીઓના ડેટા સુધી એઆઈએ
પહોંચ બનાવી લીધી હતી. તો બીજા બનાવમાં હેકર્સ
દ્વારા એઆઈ ટુલ્સનો ઉપયોગ કરીને ડેટાની તફડંચી કરવામાં આવી હતી. એઆઈ એજન્ટ્સ દ્વારા
મંજૂરી વિના ભારતીય કંપનીઓની સિસ્ટમ સુધી પહોંચ બનાવી લેવામાં આવી હોવાથી સાયબર સુરક્ષા
એજન્સી સીઈઆરટી-આઈએનને એડવાઈઝરી જાહેર કરવાની ફરજ પડી હતી. એજન્સીના કહેવા પ્રમાણે
કંપનીના ગોપનીય ડેટા સુધી પહોંચ મળતા એવા બિઝનેસ રેકોર્ડ વાંચવાની તક મળી હતી જેમાં
ખાનગી ડેટા અને ગોપનીય જાણકારીઓ સામેલ હતી. એજન્સીએ ચેતવણી આપી છે કે અમુક મામલામાં
હેકર્સે પણ એઆઈ ટુલ્સનો ઉપયોગ કરીને સિસ્ટમમાં ઘુસવાની કોશિશ કરી છે. એજન્સીએ કહ્યું
હતું કે અમુક બનાવમાં રિસર્ચ અને સમીક્ષાના
તબક્કામાંથી પસાર થઈ રહેલા એઆઈ એજન્ટ્સે પોતાના નક્કી કામના દાયરામાંથી બહાર
જઈને ભારીય સુચના અને સંચાર ટેક્નોલોજી (આઈસીટી) સંપત્તિઓ સુધી પહોંચી બનાવી હતી. સુરક્ષામાં
ગાબડાના બનાવ બે પ્રકારના હતા. એક બનાવ એઆઈ મોડલ્સ સંબંધિત હતો જેમાં રિસર્ચ દરમિયાન
એઆઈએ આપોઆપ સિસ્ટમમાં પહોંચ મેળવી લીધી હતી. બીજો બનાવ સાઈબર હુમલાખોરો સંબંધિત છે.
જેમાં જાણીજોઈને ઓપન સોર્સ એજન્ટિક એઆઈ ટુલ્સનો ઉપયોગ કરીને હેકિંગનો પ્રયાસ કર્યો
હોત. એજન્સીએ કહ્યું હતું કે પ્રયોગ દરમિયાન બનેલા બનાવ અંગે એઆઈ મોડલ પ્રોવાઈડર્સ
દ્વારા સ્વૈચ્છિક રીતે જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી. જો કે કઈ કંપનીઓ ઉપર અસર
પડી હતી તે જાહેર કરવામાં આવ્યું નથી.