ભુજ, તા. 16 : ગાય માતાના નીરણ માટે ભુજના
આશાપુરા મંદિરમાં જાણીતા નોબતવાદક શૈલેશ જાની દ્વારા દસ દિવસ સુધી સવારે 6થી 9 વાગ્યા સુધી એક આસને નવરાત્રિ દરમ્યાન ઢોલ અને નોબત વગાડીને
આદરેલું અનુષ્ઠાન રંગ જમાવી રહ્યું છે. પાંચમા નોરતાં સુધી ચારેક લાખનું રોકડ દાન એકત્રિત
થયું છે. હજુ વધુ ફંડ એકત્રિત થાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે. મંગળા આરતી પહેલાં મહિલાઓ
દ્વારા ગવાતા બેઠાં ગરબામાં ઢોલવાદન શરૂ થયા પછી રાત્રે પુરુષો દ્વારા ગવાતા છંદ-ગરબા
સુધી નોબતના સૂરો રેલાતા રહે છે. દર્શનાર્થીઓ તરફથી ગાયોના નીરણ માટે યથાશક્તિ દાન
અપાય છે. લોકગાયક ઓસમાણ મીરે 11 ટેમ્પા ઘાસચારાની
ભેટ આપી ગૌસેવાના લાભાર્થે વધુને વધુ લોકોને આગળ આવવા અપીલ કરી હતી. શ્રી જાનીની જીવદયાની
ભાવનાને બિરદાવીને કચ્છના રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીએ શાલ અર્પણ કરી સન્માન
કર્યું હતું. આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઇ દવે ગૌસેવાનાં કામમાં સહયોગી બની રહ્યા
છે. નવરાત્રિ દરમ્યાન રોજ કુમારિકા પૂજન ઉપરાંત હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ
ઉપરાંત દેવી ભાગવતના શ્લોકો ગવાય છે. ગૌસેવા ફંડ એકત્ર કરવાની સેવા દેવલમા સમિતિના
અરવિંદ ગોર, પ્રફુલ્લ ઠક્કર,
નરેન્દ્ર મોતા, દિનેશ માકાણી, નવીન કેશવાણી, પ્રફુલ્લ જોશી અને જયેશ જોશી આપી રહ્યા
હોવાનું વસંત અજાણીએ જણાવ્યું હતું.