નવી દિલ્હી, તા. 16 : રાજકીય જગતમાં તીર્વ સંઘર્ષની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર ચાલુ
મહિને જ સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આ સત્રમાં લોકસભા બેઠકો વધારવા બંધારણ સુધારા
વિધેયક, સીમાંકન ખરડો, કેન્દ્ર
શાસિત પ્રદેશ સુધારા ખરડો પસાર કરાવાશે. સાથે મહિલા અનામત પણ લાગુ કરાય, તેવી શક્યતા મજબૂત છે. છ મહિના પહેલાં સરકાર લોકસભામાં બે તૃતિયાંશ બહુમત સાધી
શકી નહોતી, હવે સરકારે સંખ્યાબળ સાધી લીધું હોવાનું કહેવાય છે.
વિશેષ સત્ર બોલાવવાનાં લગભગ એક સપ્તાહ પહેલાં તેની ઘોષણા થઇ શકે છે. સંસદનું ચોમાસુ
સત્ર 13 ઓગસ્ટના ખતમ થયું હતું, પરંતુ તેનું હજુ સુધી સત્રાવસાન કરાયું નથી.
હવે કેન્દ્ર સરકાર દ્રમુકનું સમર્થન મેળવવા માટે કોશિશ કરી રહી છે. તામિલનાડુમાં ચૂંટણી
બાદ દ્રમુક કોંગ્રેસથી અલગ થઇ ગયો છે. ત્યારબાદ દ્રમુક `ઈન્ડિયા'
જોડાણથી પણ અલગ થઇ ગયો છે. સંસદમાં સંખ્યાબળ વધુ મજબૂત કરવા સરકાર નાના
પક્ષોનેય સાધી રહી છે. લોકસભામાં 543માંથી એનડીએના 318 સાંસદ છે.