નવી દિલ્હી, તા. 16 (વિશેષ પ્રતિનિધિ
તરફથી) : મતદારયાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઇઆર)ને લઈને દેશના રાજકારણમાં ઘર્ષણમાં
સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં શુક્રારે એસઆઇઆર અને ચૂંટણી પંચ સામે દેખાવો થયા.
તો મહારાષ્ટ્રમાં આ મુદ્દાને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ આમને-સામને છે. દરમિયાન મહારાષ્ટ્ર
વિધાન પરિષદની પાંચ બેઠકોની ચૂંટણીને લઈને ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મતભેદો
બહાર આવ્યા છે. એક તરફ, વિપક્ષ મતદારયાદીમાં
કથિત ગેરરીતિઓ અને મતદારોનાં નામ કમી કરવાને મામલે આંદોલન કરી રહ્યાં છે. તો બીજી તરફ,
ભાજપ આને રાજકીય મુદ્દો બનાવીને સંસ્થાઓ પર દબાવ નાખવાનો વિપક્ષોનો પ્રયાસ
ગણાવી રહી છે. - મહારાષ્ટ્રમાં
પણ રાજકીય ઘમસાણ : દિલ્હી બાદ
હવે મહારાષ્ટ્રમાં પણ એસઆઇઆર મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી
પક્ષોએ રાજ્યમાં મતદારયાદીને લઈને સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે
વિપક્ષના આક્ષેપોનો વિરોધ કરતાં કહ્યું કે બંધારણીય સંસ્થાઓ પર જનતાનો વિશ્વાસ નબળો
પાડવાનો પ્રયાસ ન થવો જોઈએ. મહારાષ્ટ્રમાં એસઆઇઆર સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટ સુધી
પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં રાજ્યમાં આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર મતદારયાદી
અને ચૂંટણી પ્રક્રિયા પર જ કેન્દ્રિત રહેવાની સંભાવના છે. - વિધાન પરિષદ ચૂંટણીથી મહાયુતિમાં
મતભેદો બહાર આવ્યા : એસઆઇઆરની
સાથે સાથે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની પાંચ બેઠકોની ચૂંટણીએ રાજકીય વાતાવરણ વધુ ગરમાવી
દીધું છે. 23 અૉક્ટોબરે યોજાનારી આ ચૂંટણીઓમાં
પુણે શિક્ષક, પુણે સ્નાતક, નાગપુર સ્નાતક, છત્રપતિ સંભાજીનગર સ્નાતક અને અમરાવતી
શિક્ષક મતવિસ્તારનો સમાવેશ થાય છે. આ ચૂંટણીઓમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બન્ને
પોતાની તાકાત અજમાવી રહ્યા છે. જોકે, કેટલીક બેઠકો પર ગઠબંધનના
ઘટક પક્ષો વચ્ચે જ મતભેદો સામે આવતા મુકાબલો રોમાંચક બન્યો છે. - શિંદેનો દાવો, મહાયુતિ પાંચેય બેઠકો જીતશે : આ મતભેદો છતાં એકનાથ શિંદેએ દાવો કર્યો
છે કે મહાયુતિ તમામ પાંચ બેઠકો પર મજબૂત સ્થિતિમાં છે. ભાજપ તરફથી પણ મહાયુતિમાં કોઈ
મોટી કટોકટી હોવાની શક્યતાને નકારી કાઢવામાં આવી રહી છે. જોકે, રાજકીય વિશ્લેષકોની નજર એ વાત પર છે કે મેદાનમાં
ભાજપ અને શિંદે જૂથના કાર્યકરો ખરેખર કઈ હદ સુધી એકબીજાના ઉમેદવારો માટે કામ કરે છે.