ભુજ, તા. 16 : પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી કચ્છ પ્રવાસે આવ્યા હોઈ સમગ્ર દિવસ દરમિયાન બેઠકો
અને સંગઠનાત્મક કામગીરીનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. સૌપ્રથમ વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય
કાર્યો દ્વારા સમાજમાં યોગદાન આપી રહેલા સેવાભાવી યુવાનોની સાથે એમણે ભારતીય જનતા પાર્ટી
સાથે જોડવાના ઉદ્દેશ સાથે એક પરિચય વર્ગ યોજાયો હતો. આ કાર્યશાળામાં યુવાનો સાથે સંવાદ
કરી રત્નાકરજી દ્વારા રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે રાષ્ટ્રસેવા અને જન જનના કલ્યાણના
સંકલ્પને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે જોડાવા સૌને આહ્વાન કર્યું
હતું તેમજ સમાજસેવાની ભાવનાને સંગઠનાત્મક શક્તિમાં પરિવર્તિત કરી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં
વિકસિત ભારતનાં નિર્માણમાં યુવાનોએ સહભાગી બનવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ
દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે,
સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના 6 મોરચા અને 17 મંડળોમાં પણ સેવાભાવી યુવાનોને સંગઠન સાથે જોડવાના અભિયાનનો
આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વાસ્તવમાં
યુવાનોની શક્તિ, સેવાભાવ અને સંગઠનની સામૂહિક તાકાતથી રાષ્ટ્રસેવા
અને જનસેવાનાં કાર્યને વધુ વેગ આપવાનો એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે. રત્નાકરજીની ઉપસ્થિતિમાં
કચ્છ કમલમ્, ભુજ ખાતે શક્તિ કેન્દ્રના સંયોજકોની એક વિશિષ્ટ બેઠક
યોજાઈ હતી, જેમાં સંગઠનને મજબૂત બનાવીને બૂથ સ્તરે વધુ સુદૃઢ
કરવા પર ભાર મૂક્યો હતો. રત્નાકરજીએ કહ્યું કે, શક્તિ કેન્દ્ર
એ આપણા સંગઠનની સૌથી મજબૂત કડી છે અને ચૂંટણી તથા જનસેવા બંને મોરચે તેની ભૂમિકા સૌથી
મહત્ત્વપૂર્ણ છે. તેમણે સતત સંવાદ સાધી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી,
જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ
ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, એવું મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.