નલિયા, તા. 16 : અબડાસા તાલુકાના નલિયાથી જખૌ
બંદર તરફ જતો મુખ્ય માર્ગ હાલ નાના વાહનચાલકો તેમજ મૂંગા પશુઓ માટે અત્યંત જોખમી બની
ગયો છે. હાજીપીરથી જખૌ બંદર સુધી મીઠા (નમક)નું મોટા પાયે પરિવહન શરૂ થતાં જ મહાકાય
ટ્રેઇલરો અને ડમ્પરો નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં પણ વધુ પૂરપાટ ઝડપે દોડી રહ્યાં છે, જેના કારણે છેલ્લા 15 જ દિવસમાં 8થી 10 જેટલા નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. બુધવારે જસાપર ફાટક પાસે જખૌ માર્ગ પરથી પસાર થતી
નીલગાય પર ડમ્પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે આ જ અઠવાડિયામાં એક એસ.ટી. બસ તેમજ અગાઉ
પશુપાલકોની ભેંસો પણ આ બેફામ દોડતા ટ્રેઇલરોની હડફેટે ચડી ચૂકી છે. સ્થાનિકોના જણાવ્યા
મુજબ, મોટાભાગના ટ્રેઇલરો અણઘડ અને શીખાઉ ચાલકો દોડાવી રહ્યા
છે અને કેટલાક પાસે તો લાયસન્સ પણ નથી. દિવસ-રાત દોડતા આ યમદૂતો સામે આર.ટી.ઓ. તંત્ર
દ્વારા તાકીદે સ્પીડ કંટ્રોલ તેમજ કડક ચાકિંગ કરવામાં આવે તેવી તાલુકાભરમાંથી પ્રબળ
માંગ ઊઠી છે, અન્યથા આગામી દિવસોમાં મોટો ગંભીર અકસ્માત સર્જાઈને
નિર્દોષ માનવ જિંદગીઓ હોમાશે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે.