કોટડા(ચકાર) (તા.ભુજ), તા.16 : તાલુકાના
શેખપીર ચોકડીથી આગળ કુકમા તરફ જતા માર્ગની હાલત લાંબા સમયથી દયનીય બની છે. માર્ગ પર
ઠેરઠેર ખાડા અને ઉબડખાબડ સપાટીના કારણે વાહનચાલકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો
પડી રહ્યો છે. અંજાર તરફ બાયપાસ માર્ગ બન્યા બાદ શેખપીર ચોકડીથી આગળ કુકમા તરફ જતા માર્ગની સ્થિતિ સામે સ્થાનિકોમાં
ચિંતા જોવા મળી રહી છે. માર્ગની સપાટી ઉખડી જતાં વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી
પડે છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને આ માર્ગ પરથી પસાર થવામાં સતત અકસ્માતનો
ભય સતાવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગની હાલત લાંબા સમયથી કથળી રહી હોઈં તેનું સત્વરે સમારકામ કરવામાં આવે
તે જરૂરી છે. માર્ગ પરથી દરરોજ અવરજવર કરતા લોકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી ન પડે
તે માટે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ માર્ગની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં
આવે અને જરૂરી સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બિસ્માર માર્ગની સમસ્યા અંગે ક્યારે જાગશે
અને વાહન ચાલકોને રાહત આપવા માટે ક્યારે કામગીરી હાથ ધરે છે.