મુંદરા, તા. 16 : મુંદરા તાલુકામાં કાર્યરત `ભૂખી નદી નવસર્જન અભિયાન' હેઠળ નદીના કુદરતી પ્રવાહ અને જળસંચય ક્ષમતાને
પુન:સ્થાપિત કરવાની કામગીરી સાથે નદી પર આવેલા હયાત ચેકડેમોના પુન:સ્થાપનનું કામ પણ
આગળ ધપી રહ્યું છે. આ માર્ગ પરના નિર્ધારિત આઠ ચેકડેમ રિપેરિંગનું 20 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.
તાજેતરમાં મંગરા ડેમ પરનું કામ સંપન્ન થયું છે.
ચાર ચેકડેમમાં મંગરા, વિરાણિયા-1, વાંકી અને મોટા કપાયામાં રિપારિંગ, પ્લાસ્ટરિંગ, કોંક્રિટિંગ,
ડીપાનિંગ અને સ્ટ્રક્ચરલ મજબૂતીકરણની કામગીરી તેમજ વરસાદી પાણીના સંગ્રહ
અને ભૂગર્ભજળ રિચાર્જ કાર્યને પ્રારંભિક તબક્કામાં શરૂ કરાયા હતા, હવે થોડા દિવસોમાં પાંચમાં ડેમ વિરાણિયા-2 ચેકડેમનું કામ શરૂ થશે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના
સીએસઆર સહયોગથી ગ્લોબલ કચ્છ-ક્રીડા અને કચ્છમિત્રના ઉપક્રમે ચાલી રહેલા આ વ્યાપક પ્રોજેક્ટમાં
ચેકડેમોના રિપારિંગ, ડીપાનિંગ અને
જરૂરી સ્ટ્રક્ચરલ મજબૂતીકરણ દ્વારા વરસાદી પાણીના વધુ સારા સંગ્રહ અને આસપાસના ખેડૂતો
માટે પાણીની ઉપલબ્ધતા મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. - જળસંચય વિકાસ યોજના : ભૂખી નદી પુન:સ્થાપન પ્રોજેક્ટનો વ્યાપ
નદીના પ્રવાહ, જળસંગ્રહ, ભૂગર્ભજળ રિચાર્જ અને ખેતી સાથે સીધો જોડાયેલો છે. પ્રોજેક્ટનાં નક્કી થયેલાં
આયોજન મુજબ, ભૂખી નદીના સમગ્ર પટમાં જળસંચય ક્ષમતા પુન:સ્થાપિત
કરવા માટે હાલના ચેકડેમોનાં સમારકામ ઉપરાંત અન્ય જળસંચય માળખાંના વિકાસની પણ યોજના
છે. પ્રોજેક્ટ હેઠળ આશરે 1.50 એમસીએલ પાણી સંગ્રહ ક્ષમતા પુન:સ્થાપિત કરવાનો તથા ખેતીની જમીનને
સીધો અને પરોક્ષ લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક છે. - ચેકડેમોનું મજબૂતીકરણ : ચેકડેમોને માત્ર બહારથી સમારકામ કરવાને બદલે જ્યાં જરૂરી હોય, ત્યાં ડીપનિંગ, કોંક્રિટ
રિપેરિંગ, રિઇન્ફોર્સમેન્ટ, સિમેન્ટ પ્લાસ્ટરિંગ,
એપ્રોચનું પુન:નિર્માણ તથા સ્ટોન પિચિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી
રહી છે. ચેકડેમોના પુન:સ્થાપનનો સૌથી મહત્ત્વપૂર્ણ હેતુ માત્ર બાંધકામનું સમારકામ નથી,
પરંતુ પાણીના સંગ્રહ અને તેની લાંબા ગાળાની ઉપલબ્ધતાને મજબૂત બનાવવાનો
છે. ભૂખી નદી પ્રોજેક્ટના વ્યાપક લક્ષ્યાંકોમાં ભૂગર્ભજળ સ્તરમાં સુધારો, ખારાશમાં ઘટાડો, સુધારેલી સિંચાઈ અને ખેતીની ઉત્પાદકતા
તથા ખેડૂતોની આવકમાં વધારો જેવાં પરિણામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. - નદી સાથે ખેતરોનું નવસર્જન
: ભૂખી નદી નવસર્જન અભિયાનની વિશેષતા એ છે
કે, નદીના પુનર્જીવનને માત્ર નદીના પટની સફાઈ કે
ડિસિલ્ટીંગ સુધી મર્યાદિત રાખવામાં આવ્યું નથી. નદીના પ્રવાહને પુન:સ્થાપિત કરવો,
ચેકડેમોને મજબૂત બનાવવા, પાણી સંગ્રહ વધારવો,
ભૂગર્ભજળ રિચાર્જ કરવું, નદીકાંઠે વનીકરણ કરવું
અને સ્થાનિક સમુદાયને જોડવા જેવાં અનેક પાસાંને એકસાથે જોડવામાં આવ્યા છે. ભૂખી નદીના પુન:સ્થાપન સાથે આશરે 11 ગામને સીધો અને 14 ગામને પરોક્ષ લાભ મળવાનો અંદાજ
છે, જ્યારે પ્રોજેક્ટ હેઠળ આશરે 2,500 હેક્ટર ખેતીની જમીનને સીધો/પરોક્ષ
લાભ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે ભૂખી નદીના કાંઠે થઈ રહેલા ચેકડેમોના
પુન:સ્થાપનનું કામ માત્ર જૂના બાંધકામને નવું સ્વરૂપ આપવાની કામગીરી નથી; તે વરસાદી પાણીની દરેક બૂંદને સાચવવા,
ભૂગર્ભજળને ફરી જીવંત બનાવવા અને ખેડૂતોની ખેતીને વધુ જળસુરક્ષિત બનાવવાની
દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.