ભુજ, તા. 23 : એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત કચ્છના પ્રભારીમંત્રી
કાંતિભાઈ અમૃતિયાએ બીએસએફ 176 બટાલિયન પરિસર
મુંદરા રોડ ભુજ ખાતે નિર્માણ પામનારા વન કવચ અન્વયે 30,000 વૃક્ષના વાવેતરનો આરંભ કરાવ્યો
હતો. સામાજિક વનીકરણ વિભાગ કચ્છ, બીએસએફ
અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. રાજ્યમંત્રીએ જણાવ્યું
હતું કે, ફળ ફળાદી વૃક્ષોના વાવેતરને પ્રાથમિકતા આપવામાં આવે
જેથી મનુષ્યોની સાથે પશુ પક્ષીઓને પણ લાભ થાય.
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિવન પરિસરમાં મિયાવાંકી પદ્ધતિથી
વન વાવેતરના સફળ પ્રયોગ બાદ હવે બીએસએફ પરિસરમાં 30 હજારથી વધારે વૃક્ષો સામાજિક
વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ઉછેરીને ભુજ શહેરની મધ્યમાં વન કવચનું નિર્માણ કરાશે. બીએસએફ જવાનોની વીરતા અને અદમ્ય સાહસને બિરદાવીને
તેમની સાથે વૃક્ષારોપણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન
સંરક્ષક જયનકુમાર પટેલે વન કવચ વિકાસના આયોજન અંગે રાજ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
મહાનુભાવો અને ઉપસ્થિત બીએસએફના જવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. બીએસએફ જવાનોને સામાજિક
વનીકરણ વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણી ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, ધવલભાઈ આચાર્ય, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ
ગૌતમ, બીએસએફ ડીઆઈજી યોગેન્દ્રાસિંહ રાઠોડ, વન સંરક્ષક ધીરજ મિત્તલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.એચ.
આલ સહિત બીએસએફ જવાનો અને વન વિભાગના કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.