• બુધવાર, 24 જૂન, 2026

ગાંધીધામના સુંદરપુરી રોડ પર લાઈન તૂટતાં રહેવાસીઓ તરસ્યા

ગાંધીધામ, તા. 22 : ગાંધીધામમાં નેહરુ પાર્કના ખૂણાથી સુંદરપુરી પાણીના ટાંકા તરફ જતા માર્ગ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ગટરલાઈનના પાઇપ નાખવાની કામગીરી દરમિયાન પીવાનાં પાણીની લાઈન તોડી નાખવામાં આવતાં હજારો લિટર પાણી વેડફાયું હતું. સેંકડો ઘર પાણી વગર તરસ્યાં હતાં. પાણી વિભાગે તુરંત સપ્લાય બંધ કરતાં પાણીનો વેડફાટ રોકાયો હતો, પરંતુ વ્યાપક બગાડ થયો હતો. અહીં ગટરલાઈનના પાઇપ નાખવાની કામગીરી દરમિયાન વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા પીવાનાં પાણીની લાઈન તોડી નાખવામાં આવી રહી છે. લાઈન રિપેરિંગ કરે છે, પણ થૂંકના સાંધા જેવી સ્થિતિ છે. કોન્ટ્રાક્ટરની આવી કામગીરીનાં કારણે લોકોનાં ઘરમાં પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. સોમવારે તો લાઈનમાં મોટું ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ રોડ ઉપર થયો હતો. લોકોને પીવાનું પાણી મળતું નથી. ગંભીર કટોકટી સર્જાઇ છે તે વચ્ચે કોન્ટ્રાક્ટરો લાઈન તોડીને પાણીનો બગાડ કરી રહ્યા છે અને તેની સામે પગલાં ભરવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ નિષ્ફળ છે. લોકો પાણીનો બગાડ કરે છે તો તેમને 10,000નો દંડ ફટકારવામાં આવે છે. અહીં કોન્ટ્રાક્ટર લાઈન તોડીને સંપત્તિને નુકસાન પહોંચાડે છે. પાણી વેડફાય છે તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી અહીં હેરાનગતિ છે, સોમવારે લાઈન તૂટી જતાં 600 ઘરને પીવાનું પાણી મળ્યું નથી. સવારમાં સપ્લાય સમયે પાણીના ફુવારા હતા. આખો રોડ પાણીથી ભરાઈ ગયો હતો. અનેક વખત અહીં લાઈન તૂટી છે અને લોકોને પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. વહીવટી તંત્ર પગલાં ભરીને લોકોને નિયમિત પાણી મળી રહે તે દિશામાં કાર્યવાહી કરે તે જરૂરી છે.

Panchang

dd