• બુધવાર, 03 જૂન, 2026

અબડાસાની પેસેન્જર ટ્રેન વાયદાના પાટે અટવાઇ

કપિલ જોષી દ્વારા : નલિયા, તા. 1 : કચ્છના પશ્ચિમ છેડે આવેલા અબડાસા તાલુકાની ધરતી છેલ્લા ત્રણ દાયકાથી એક સ્વપ્ન સેવી રહી છે - પોતાના આંગણે પેસેન્જર ટ્રેનની સીટી વાગવાનું સ્વપ્ન! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણાતો નલિયા-ભુજ રેલવે ટ્રેક, જેનો રૂા. 1,094 કરોડના ખર્ચે મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયું છે, તેનું લોકાર્પણ બે વર્ષ પૂર્વે તા. 28-10-2024ના વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી થયું હતું, પરંતુ, આ લોકાર્પણ અબડાસાવાસીઓની આશાઓ પર પાણી ફેરવીને ગયું હોય તેમ જણાઈ રહ્યું છે. આ અધૂરાં સ્વપ્નના પાટા પર પેસેન્જર ટ્રેનને બદલે માત્ર માલગાડીઓ જ ધસમસતી દોડે છે અને અબડાસાના લોકોની પ્રતીક્ષા વધુ લાંબી બની રહી છે.

સતત મળે છે વાયદાઓ : લોકાર્પણ સમયે રેલવે તંત્ર દ્વારા ચાર-પાંચ દિવસમાં જ પેસેન્જર ટ્રેન શરૂ કરવાના મીઠા વાયદા કરવામાં આવ્યા હતા, ત્યારથી લઈને અત્યાર સુધી, માર્ચ મહિનાથી શરૂ કરીને દિવાળી, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફરી માર્ચ સુધીના અનેક વાયદાઓનો વરસાદ વરસ્યો, પરંતુ પેસેન્જર ટ્રેનનું આગમન માત્ર કાગળ પર જ રહ્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેક પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પેસેન્જર ટ્રેનનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક કરાયું છે, ઇલેક્ટ્રિફિકેશન પણ થઈ ગયું છે અને રેલવે ફાટકો પણ તૈયાર છે. છતાં, અબડાસાના નસીબમાં હાલ તો માલગાડીઓનો ખડખડાટ જ લખાયો છે.

મુંબઈ-અમદાવાદ સાથેના સંબંધોની આશા : અબડાસા તાલુકાનો મુંબઈ સાથે વેપાર-ધંધાનો અને પારિવારિક સંબંધ વર્ષો જૂનો છે. અહીં મહાજન, જૈન અને ભાનુશાલી સમાજ સહિતની મોટી વસ્તી વેપાર અર્થે મુંબઈમાં સ્થાયી થયેલી છે. વેપારીઓ માટે અમદાવાદ ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે. આજે પણ મુંબઈથી આવતી કચ્છ એક્સપ્રેસ અને સયાજી એક્સપ્રેસમાં દરરોજ અબડાસાના 200થી 250 જેટલા મુસાફરો પ્રવાસ કરે છે. તેમની મુખ્ય અને તાકીદની માંગ છે કે, આ બંનેમાંથી કોઈ પણ એક ટ્રેનને નલિયા સુધી લંબાવવામાં આવે, જેથી તેમનો પ્રવાસ વધુ સુવિધાજનક અને સીધો બની શકે.

ઇતિહાસની યાદો અને વર્તમાનની વિટંબણા : અબડાસામાં રેલવેનો ઇતિહાસ 1982થી શરૂ થાય છે, જ્યારે મીટરગેજ ટ્રેક મંજૂર થયો અને 1992માં પૂર્ણ થયો. સંરક્ષણની દૃષ્ટિએ આ રેલવે લાઇન અબડાસા માટે એક મોટી ભેટ હતી, ત્યારે નલિયાથી ગાંધીધામ સુધી પેસેન્જર ટ્રેન દોડતી હતી અને મુંબઈ જતી ટ્રેનમાં એક ડબ્બો સીધો જોડવામાં આવતો, જેથી મુસાફરોને કોઈ અગવડ ન પડે, પરંતુ, આજે પરિસ્થિતિ સાવ અલગ છે. ઉદ્યોગોનાં આગમન છતાં, આધુનિક બ્રોડગેજ ટ્રેક અને આલીશાન સ્ટેશનો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. નલિયા, કોઠારા, કનકપર, મોથાળા, સણોસરા, દેશલપર સહિતનાં ગામોમાં બનેલા રેલવે સ્ટેશનો, જ્યાં ટ્રેનોનું આવાગમન જ નથી, તે ધીમે ધીમે સામાજિક તત્ત્વોનો અડ્ડો બની રહ્યા છે.

અગ્રણીઓનો આક્રોશ : ક્યારે પૂરી થશે આ પ્રતીક્ષા?- હકુમતાસિંહ જાડેજા, પ્રમુખ, નલિયા વેપારી એસોસીએશન : `અમારી વર્ષો જૂની માંગ છે. રેલવે ટ્રેક અને સ્ટેશનો તૈયાર છે, ટેસ્ટિંગ પણ થયું છે અને માલગાડીઓથી નફો પણ થાય છે. મુંબઈથી આવતી કોઈ એક ટ્રેનને નલિયા સુધી લંબાવવામાં આવે. સુરક્ષાકર્મીઓ, ખાનગી કંપનીના કર્મીઓ અને દેશ-દેશાવરના લોકો માટે આ ટ્રેન અનિવાર્ય છે. ભુજમાં આખો દિવસ ઊભી રહેતી ટ્રેનો નલિયા આવીને સાંજે અહીંથી જ ઊપડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.'

- રાજેશ મોતા, ટ્રસ્ટી નલિયા જૈન મહાજન : `મુંબઈથી સવારે આવતી બંને ટ્રેનો ભુજ રેલવે યાર્ડમાં આખો દિવસ ઊભી રહે છે. રેલવે સમયપત્રકમાં કોઈ ફેરફાર કર્યા વિના કચ્છ એક્સપ્રેસ કે સયાજી એક્સપ્રેસમાંથી કોઈ એક ટ્રેનને નલિયા સુધી લાવીને ભુજથી ઊપડવાના સમય કરતાં બે કલાક વહેલા નલિયાથી ઉપાડી શકાય.'

- ઉમરશીભાઈ ભાનુશાલી, પૂર્વ પ્રમુખ, અબડાસા તાલુકા પંચાયત : અબડાસાનો આર્થિક વ્યવહાર અને મુંબઈ સાથેનો નાતો અતૂટ છે. અબડાસાની 50 ટકા વસ્તી મુંબઈ વસે છે. હવે સંરક્ષણ, ઉદ્યોગો અને સ્થાનિક લોકો માટે ટ્રેન મળવી જ જોઈએ. બધું જ તૈયાર છે, ત્યારે પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જનરલ મેનેજરની મુલાકાત પણ નિષ્ફળ : તાજેતરમાં રેલવેના જનરલ મેનેજરે કચ્છની મુલાકાત લીધી હતી અને ભુજ-ગાંધીધામ સહિતની બેઠકો બાદ નલિયા રેલવે સ્ટેશનની પણ ખાસ ટ્રેન મારફત મુલાકાત લીધી હતી. નલિયા અને વાયોર રેલવે ટ્રેકનાં કામનું નિરીક્ષણ કરીને સપ્ટેમ્બર માસ સુધીમાં કામ પૂર્ણ કરી માલગાડીઓ દોડાવવાની ધારણા વ્યક્ત કરી હતી. વાયોર રેલવે ટ્રેકનું કામ પ્રગતિમાં હોવા છતાં અબડાસાવાસીઓનું પેસેન્જર ટ્રેનનું સ્વપ્ન હજુ પણ અધૂરું જ છે. ડબલ એન્જિન સરકાર અને અધૂરું સ્વપ્ન : વર્તમાન સમયમાં કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક જ સરકાર સત્તામાં છે. `ડબલ એન્જિન' સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટની હાલત જોઈને લોકોમાં આશ્ચર્ય અને નિરાશા છે. આંકડાકીય રીતે જોઈએ તો ડબલ એન્જિન સરકાર (કેન્દ્ર અને રાજ્ય), જિલ્લા પંચાયતની અબડાસાની ત્રણ ભાજપ જીતેલી સીટો (ત્રણ એસી કોચ) અને તાલુકા પંચાયતની 11 ભાજપ જીતેલી સીટો (11 સ્લીપર કોચ) મળીને એક `પૂર્ણ કક્ષાની ટ્રેન' બની ગઈ છે. સરકારમાં આ આંકડાકીય ટ્રેન તો તૈયાર છે, પરંતુ વાસ્તવિકતામાં પેસેન્જર ટ્રેન ક્યારે દોડશે તેની પ્રતીક્ષા અબડાસાના લોકો આતુરતાપૂર્વક કરી રહ્યા છે. વર્ષો જૂની આ માંગ ક્યારે પૂરી થશે તે એક મોટો પ્રશ્ન છે.

Panchang

dd