• શનિવાર, 30 મે, 2026

ગાંધીધામના પરિવહનકારોનું પહેલી જૂનનું આંદોલન મુલતવી

ગાંધીધામ, તા. 29 : ખાડી યુદ્ધના લંબાવવાના કારણે ઊભી થયેલી ડીઝલ સપ્લાયની સમસ્યાના કારણે સમસ્ત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અત્યંત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.  અગાઉ બેઠકો અને રજૂઆતો કરાયા બાદ આજે ફરી ઈંધણની પરિસ્થિતિ અંગે મંથન કરાયું હતું  તેમજ  હડતાળનું એલાન મુલતવી રખાયું હતું.ગાંધીધામ ચેમ્બર ખાતે મળેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પ્રતિનિધિઓ ફરીવાર ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠકના અધ્યક્ષસ્થાનેથી ચેમ્બર પ્રમુખ  તેજા કાનગડે આ બાબતે તુરંતમાં જ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણીઓ સાથેનાં પ્રતિનિધિમંડળ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને સાથે બેઠક કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું.  સંકુલની બહાર અમદાવાદ અને રાધનપુર હાઇવે ઉપર આવેલા  પંપો ડીઝલ નથી આપતા તે બાબતની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે, જેથી ટ્રાન્સપોર્ટ સેવાને પર્યાપ્ત ડીઝલનો જથ્થો અવિરત મળતો રહે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણીઓએ બેઠકમાં સંયુક્ત રીતે  જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે સર્જાયેલા  વૈશ્વિક સંકટમાં સમસ્ત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પરિસ્થિતિને નિયંત્રણ કરવાના સરકારનાં પગલાંને ટેકો આપે છે, સ્થાનિક વહીવટી તંત્રના ત્વરિત પગલાંઓની સરાહના કરે છે અને હાલમાં સંકુલના પંપો દ્વારા અપાતા ડીઝલના માર્યાદિત જથ્થા સાથે ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ રાખવામાં આવી છે . ટ્રકો, ટ્રેલર્સને સંકુલની બહારના વિસ્તારો આવેલા પંપો ઉપરથી ડીઝલ ખૂબ જ ઓછી માત્રામાં આપવામાં આવે છે અથવા બિલકુલ આપવામાં આવતું નથી આ પરિસ્થિતિના કારણે ભચાઉથી અમદાવાદ અને રાધનપુર સુધીના રસ્તે આવતા પંપો પરથી વાહનોને પૂરતું ડીઝલ નહીં મળવાથી માલ પરિવહન સેવા થંભી જાય છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની સપ્લાય ચેઈન ખોરવાઈ જાય છે, જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ચેમ્બર માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કેરાધનપુર, સાંતલપુર અને ભારતમાલા નેશનલ હાઈવે ઉપરથી  પંજાબ, હરિયાણા, ઉત્તર ભારત તરફ જતી ટ્રકો, ટ્રેઈલર્સને પણ પૂરતો ડીઝલનો જથ્થો પ્રાપ્ત થતો નથી તે માટે ચેમ્બર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરાશે. આ ઉપરાંત હાલમાં ડીઝલ સપ્લાયની સ્થિતિ સામાન્ય થઇ રહી છે, ત્યારે સંકુલના સ્થાનિક પંપ માલિકોને ચેમ્બર દ્વારા ટ્રક માલિકોને આપવામાં આવતા ડીઝલના જથ્થાની માત્રામાં વધારો કરી આ સમસ્યા હળવી કરવા માટે સહયોગ આપવા વિનંતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અગાઉ તા. 1 જૂનના ગાડીઓ સ્વૈચ્છિક રીતે ઊભી રાખી દેવાનું વિચાર્યુ હતું તે હાલ પુરતું મુલતવી રાખવામાં આવ્યું છે, દર અઠવાડીયે પરિસ્થિતિની સમીક્ષા કરાશે.  બેઠકમાં માનદ સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેસ ગોર, કારોબારી સભ્યો  હરિશ માહેશ્વરી, નરેન્દ્ર રામાણી તેમજ પરિવહનકરો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd