• શનિવાર, 30 મે, 2026

દારૂ, જુગાર સહિતની બદીઓ બેકાબૂ : તંત્ર જાગૃત થાય તે જરૂરી

માંડવી, તા. 29 : શિક્ષણની પ્રવેશ પ્રક્રિયા સંબંધે શૈક્ષણિક સંસ્થામાં જવાનું થયું ત્યારે બે શિક્ષણવિદ્ સાથે માંડવીમાં ફૂલી રહેલી બદીઓ અંગે ચર્ચાઓ થઇ રહી હતી અને ત્યારે જ અંદેશનો મેસેજ મોબાઇલ ઉપર જોયો અને એ જ ચર્ચાને પુષ્ટિ મળી હોય તેવું સાબિત થયું, તો ભુજ- માધાપર, નખત્રાણા મધ્યે લોકો જાગૃત થઇ અને જનતા રેડ નાખી, આવું માંડવીમાં પણ થઇ શકે છે તેવું જાણવા મળ્યું હતું. ચર્ચાઓ તો એટલી હદ સુધીની છે કે, પ્રવાસન સાથે વિકસતા માંડવીમાં બદીઓ ફૂલીફાલી છે, ત્યારે તેમાં લઠ્ઠાકાંડ કે અન્ય કોઇ કાંડમાં નિર્દોષ વ્યક્તિઓનો જાન ન હોમાઇ જાય તે માટે તંત્ર જાગૃત થશે કે કેમ તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે. અહીંના તળાવના કાંઠે, ભદ્ર સમાજના વિસ્તારના મુખ્ય એરિયામાં, લાયજા રોડ ટ્રાફિક વિસ્તારમાં, ગેસ એજન્સી નજીક માંડવી, નાગલપુર અને ભુજના ત્રિભેટે, પવનચક્કી વિસ્તાર સહિતનાં મુખ્ય સ્થળોમાં ખુલ્લેઆમ દારૂની બદી ફૂલીફાલી છે. કિશોરવયના કોઇ વિદ્યાર્થીને પૂછો તો તરત સરનામું મળી જાય તેમ છે, તો આ અંગે તંત્ર અજાણ છે કે શું તેવા નગરજનોમાં સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ સાથે બદીઓમાં દેહવેપારના પોઇન્ટો પણ વધી રહ્યા છે. તો અમુક સ્થળે તો ખુલ્લેઆમ ધંધા ફૂલ્યાફાલ્યા છે જે અંગે શું તંત્રને જાણ નથી ? બીજી તરફ વધી રહેલા મોંઘવારી અને કામચોરના જમાનામાં વહેલીતકે પૈસાદાર બનવાની લાયમાં આંકડા, જુગાર, સટ્ટા જેવા દૂષણો માંડવીમાં ઘર કરી ગયા છે. મુખ્ય કચેરીની સામે જૂની અને જાણીતી જગ્યાએ અનેક - ગરીબ પરિવારો તેમાં ધકેલાઇ રહ્યા છે : આ બદીઓ અને દારૂના દૂષણ અંગે એવી જ એક વ્યક્તિ સાથે ચર્ચા થઇ ત્યારે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, હવે તો દારૂ બનાવવામાં પણ એવું એક કેમિકલ ભેળવાય છે કે તરત જ આ નશાયુક્ત પ્રવાહી મિશ્રણ થઇને કેફી પીણો નશાકારક બની જાય છે અને આ કેફી પીણાના પ્યાસી પીએ એટલે તરત નશો ચડી જાય અને જમીન ઉપર ઢળી પડે છે. આ અંગે બધું જાણવા છતાંય પણ નશાની લતમાં રોજ આ કેફી પીણું પીએ છે. ત્યારે તંત્ર જાગૃત નહીં બને તો માંડવીમાં લઠ્ઠાકાંડ સર્જાય તેવી ભીતિ છે. 

Panchang

dd