• શનિવાર, 30 મે, 2026

અંજારમાં પોલીસે ચાર શખ્સનાં બિનઅધિકૃત વીજજોડાણ કપાવ્યાં

ગાંધીધામ, તા. 29 : અંજારમાં જુદા-જુદા બનાવોમાં પોલીસ ચોપડે ચડેલા ચાર શખ્સના બિનઅધિકૃત વીજજોડાણ પોલીસ દ્વારા કપાવી નાખી ચારેયને કુલ રૂા. 3,80,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંજાર પોલીસ મથક વિસ્તારમાં માદક પદાર્થ, ઠગાઇ, છેતરપિંડી, જુગારના જાણીતા ગુનેગારો સામે પોલીસે ઝુંબેશ ચલાવી હતી. પોલીસે વીજતંત્રને સાથે રાખીને આવા શખ્સોનાં વીજજોડાણો તપાસ કર્યાં હતાં, જે પૈકી ચાર શખ્સનાં વીજજોડાણ બિનઅધિકૃત રીતે મેળવાયાં હોવાનું બહાર આવ્યું હતું. અંજારના શબીર હુસેન ઉર્ફે પીચુ સુલતાનશા શેખ નામનો શખ્સ અગાઉ છેતરપિંડીના ગુનામાં આવી ગયો છે. તેણે બિનઅધિકૃત વીજજોડાણ મેળવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તેને રૂા. 2,25,000નો દંડ  ફટકારવામાં આવ્યો હતો તેમજ મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સતાર સામે ચોરી, માદક પદાર્થના ગુના નોંધાયેલા છે, તેણે પણ ગેરકાયદે જોડાણ મેળવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તેને રૂા. એક લાખનો દંડ ફટકારાયો હતો. અબ્બાસ ઇબ્રાહીમ શેખ સામે અંજાર, પદ્ધરમાં બે ગુના નોંધાયેલા છે, તેને રૂા. 40,000નો તથા અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખને રૂા. 15,000નો દંડ કરાયો હતો. આ ચારેય શખ્સનાં બિનઅધિકૃત વીજજોડાણ વીજતંત્રએ કાપી નાખી દંડ ફટકાર્યો હતો. 

Panchang

dd