કેરા, તા. 29 : સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિ.
દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ અને તેમની અંદર રહેલી પ્રતિભાને યોગ્ય દિશા અને પ્રોત્સાહન
મળી રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 દિવસીય `તરુણ વિકાસ
શિબિર' યોજાઈ હતી. જેમાં 60થી વધુ છાત્રોએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન
દૈનિક પ્રાર્થના અને ધ્યાન, હકારાત્મક
વલણ, વ્યાયામ, નૃત્ય, કરાટે, યોગ, મઢવર્ક, માટીકામ, રોજલક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન,
કરિયર પ્લાનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, કંપની વિઝિટ તેમજ શૈક્ષણિક પ્રવાસ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાઈ હતી. દરેક ક્ષેત્રના
નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ શિબિરાર્થીને તાલીમ અપાઈ હતી. શિબિર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને
પ્રોત્સાહનરૂપે ઇનામો અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. સમાપન કાર્યક્રમમાં કંપનીના જનરલ મેનેજર કિરણ ચાંદવાણી,
ડેપ્યુટી જનરલ મેનેજર નિખિલ જોષી, કંપનીના વિવિધ
વિભાગોના હેડ, કંપનીના કોન્ટ્રાક્ટરો, ગામના
સરપંચ તથા ઉપસરપંચ, તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ આહીર,
ગામના અગ્રણીઓ તેમજ કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના પ્રમુખ દેવેન્દ્રભાઈ
વાઘજિયાણી, ટ્રસ્ટીગણમાં વસંતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, છાત્રો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
`તરુણોના ઘડતરમાં શિક્ષણ, સંસ્કાર અને કૌશલ્યનો સમન્વય જ સાચા વિકાસનો
માર્ગ છે' આ સંદેશા સાથે શિબિરનું સફળ સમાપન થયું હતું. ઉપસ્થિત
અગ્રણીઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સંચાલન મહેન્દ્ર શિયાળ
અને સપોર્ટ ટીમ દ્વારા કરાયું હતું.