• શનિવાર, 30 મે, 2026

પૂરબ ઔર પશ્ચિમ, મજબૂત સુરક્ષાનો સંકલ્પ

તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : પૂર્વ ભારતના રાજ્ય પશ્ચિમ બંગાળમાં બાંગલાદેશી ઘૂસણખોરોને હાંકી કાઢવાની ઝુંબેશ છેડીને ગુજરાતમાં સીમાવર્તી કચ્છ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સઘન પ્રવાસ અને બીએસએફના જવાનો સાથેના સંવાદ-સંબોધનનો અર્ક એ જ છે કે, નાપાક પડોશી સહિતના શત્રુઓની મેલી મુરાદ કદીએ બર ન આવે એ માટે મોદી સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. સાથે એ પણ સંદેશ મળે છે કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન સીમાપારથી કચ્છ તરફ આવેલાં ડ્રોન્સને જોતાં સરકાર કોઇ કચાશ રાખવા માગતી નથી. કચ્છમાં ભારત-પાકિસ્તાનને જોડતી સરહદે ટેક્નોલોજીના ઉત્તમ નમૂનારૂપ બબ્બે સીમા ચોકી (બીઓપી)નું લોકાર્પણ કરતાં અમિત શાહે કહેલા શબ્દોમાં ગૃહ મંત્રાલયની બદલાયેલી પ્રોએક્ટિવ સુરક્ષાનીતિ પ્રતિબિંબિત થાય છે. પોતે ભારતના ગૃહમંત્રીનો  કાર્યભાર સંભાળ્યો એ પછીની મુલાકાત દરમ્યાન સીરક્રીક અને હરામીનાળા ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું ત્યારે અહેસાસ થયો કે આ વિસ્તારમાં પુષ્કળ છીંડાં છે. અહીં એ નોંધનીય છે કે, કચ્છની ભૂમિ ક્રીક સીમાએ ઘણો વિસ્તાર દાયકાઓ સુધી નધણિયાતો જ રહ્યો છે. ગુજરાત-કચ્છની 1600 કિ.મી.ની સમુદ્રી સીમા ભેદીને ભૂતકાળમાં દાણચોરો કે દેશવિરોધી પરિબળો કારનામા પાર પાડવામાં સફળ થયા છે. ડ્રગ્સ કે શત્રોનીય હેરાફેરી થતી રહી છે. અલબત્ત, અમિત શાહે હવાલો સંભાળ્યા પછી સરહદોને સુરક્ષિત બનાવવાના ઉપાયોથી માંડીને બીએસએફ માટે અદ્યતન સાધન-સરંજામ વસાવવા અંગે ઝડપભેર નિર્ણયો લીધા એ પછી કચ્છમાં સીમા સુરક્ષા દળની રાઇઝિંગ ડે પરેડમાં હાજરી અને ગુરુ-શુક્રવારની મુલાકાતમાં એ માટેની પ્રતિબદ્ધતા વર્તાય છે. સીરક્રીક પાકિસ્તાનની બૂરી નજરને લીધે વિવાદગ્રસ્ત ક્ષેત્ર રહ્યું છે એ અને હરામીનાળાનો ક્રીક વિસ્તાર ઘૂસણખોરી માટે કુખ્યાત છે. ગૃહમંત્રીએ એલાન કર્યું છે કે, મજબૂત સુરક્ષા માળખું ઊભું થતાં કચ્છ સીમાએ સુરક્ષા છત્ર ભેદવાની કોઇ હિંમત કરી નહીં શકે. શ્રી શાહે `ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ'નો આપેલો મંત્ર કચ્છ જેવા પાંખી વસ્તી અને વિશાળ ક્ષેત્ર ધરાવતા જિલ્લા માટે ખૂબ જરૂરી છે. બીએસએફ જવાનો સીમાના પ્રહરી તરીકે મોરચો સંભાળે છે, પરંતુ સીમાની આસપાસના વિસ્તારો, ગામો, નિવાસીઓ, તેમની ગતિવિધિ એ બધાં પરિબળો સુરક્ષા સાથે જોડાયેલાં છે. સ્થાનિક જનતા, વહીવટી તંત્ર અને લશ્કર સાથેનું સંકલન બીએસએફની કામગીરી વધુ સચોટ અને પરિણામલક્ષી બનાવશે એમ કહી શકાય. સીમાએ ફેન્સિંગ કે વોચટાવર દ્વારા અભેદ સુરક્ષા ઘેરો બનાવવાનું કામ 70 ટકા પૂર્ણ થયું હોવાની જાહેરાતે મહત્ત્વની છે. ખાસ તો હરામીનાળા ક્ષેત્રમાં નવી સીમા ચોકીઓ બીએસએફ માટે ગેમ ચેન્જર બની શકે તેમ છે. હરામીનાળું વાંકી-ચૂકી ક્રીકવાળો પ્રાકૃતિક જળમાર્ગ છે. પાકિસ્તાની ઘૂસણખોરો, દાણચોરો, ડ્રગ્સ ટ્રાફિકર્સ અને સંભવિત આતંકવાદીઓ આ દુર્ગમ માર્ગનાં છીંડાંનો ફાયદો ઉઠાવીને ઘૂસણખોરીની ફિરાકમાં રહેતા આવ્યા છે. નવી બીઓપી પછી ચોવીસે કલાક નિગરાની રાખી શકાશે. એટલું જ નહીં, શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ નૌકાઓને ઝડપથી આંતરી શકાશે. ટૂંકમાં, હરામીનાળા ક્ષેત્રમાં નવી બીઓપીનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી જેવા વરિષ્ઠ મંત્રીઓ અને સુરક્ષા અધિકારીઓ દ્વારા કચ્છ ક્ષેત્રની વારંવાર મુલાકાત ભારતના `ઝીરો ટોલરન્સ' સુરક્ષાનીતિનો ભાગ છે. હાઇટેક રડાર, થર્મલ ઇમેજર્સ (નાઇટ વિઝન), એન્ટિડ્રોન સિસ્ટમથી બીએસએફને સુસજ્જ બનાવવું એ કચ્છ-ગુજરાત અને સમગ્ર દેશની સુરક્ષાનાં હિતમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ કચ્છ, રાજસ્થાન અને કાશ્મીરમાં દેશકાજે કઠિન ફરજ બજાવતા જવાનોની કર્તવ્યપરાયણતાને પણ સલામ કરી છે. રણ અને સમુદ્રી સીમાએ સુરક્ષા વધતાં કચ્છને સોફ્ટ ટાર્ગેટ માનનારા ડ્રગ્સ માફિયાઓની ગતિવિધિ ઉપરે કેટલેક અંશે બ્રેક લાગી શકશે. એક સમયે નિર્જન અને નધણિયાતી મનાતી સરહદ હવે હાઇબ્રિડ ગ્રીન એનર્જી પાર્ક અને મીઠાંના કારોબારને લીધે જીવંત બની છે. ત્યાં અવરજવર વધતાં સુરક્ષાના દૃષ્ટિકોણથી નવી ચિંતાએ ઉમેરાઇ છે. શ્રી શાહે સૂચવેલી ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ એ દૃષ્ટિએ મહત્ત્વની છે. 

Panchang

dd