નવી દિલ્હી, તા.29 : સુપ્રીમ કોર્ટે
શુક્રવારે દેશની તમામ વડી અદાલતો દ્વારા મામલાઓ પર ફેંસલો આપવામાં વિલંબ બદલ ચિંતા
વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે,
કોઈ પણ ફેંસલો અનામત રાખ્યા બાદ ત્રણ મહિનાની અંદર ફેંસલો ન આવે તો હાઈકોર્ટના
રજિસ્ટ્રાર જનરલ તેવા કેસ મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ રાખશે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના
વડપણવાળી ખંડપીઠે અન્ય એક મહત્ત્વના નિર્દેશમાં જામીન અરજીઓ પર એ જ દિવસે આદેશ આપવા
કહ્યું હતું. જો ફેંસલો સુરક્ષિત રખાય તો બીજા દિવસે જરૂર જારી કરીને વેબસાઈટ પર અપલોડ
કરવાનો આદેશ પણ સુપ્રીમે આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે,
હું 15 વર્ષ હાઈકોર્ટનો
જજ રહ્યો, પરંતુ કદી પણ ફેંસલો અનામત નથી રાખ્યો. ઝારખંડ
સરકાર સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 12 નિર્દેશ જારી કર્યા હતા. મુખ્ય
ન્યાયમૂર્તિએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે,
ન્યાયની કિંમત પર ફેંસલામાં આવા વિલંબ ચલાવી લેવાય નહીં.