• શનિવાર, 30 મે, 2026

રાપરમાં ભેંસો ચરાવવા ગયેલા વૃદ્ધનું ટાંકામાં પડી જવાથી મોત

ગાંધીધામ, તા. 29 : રાપર તાલુકાના સીમ વિસ્તારમાં ભેંસો ચરાવવા ગયેલા જગમાલ વિશાભાઇ ભરવાડ (ઉ.વ. 62)નું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત થયું હતું. બીજી બાજુ મેઘપર બોરીચીની ગજાનંદ પાર્ક સોસાયટીમાં લીનાબેન કેવલ ભાનુશાલી (ઉ.વ. 40)એ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. રાપરના નવાપરા ખેતરપાળ મંદિરની બાજુમાં રહેતા વૃદ્ધ એવા જગમાલ ભરવાડે જીવ ખોયો હતો. ગઇકાલે સવારે આ વૃદ્ધ ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. દરમ્યાન સાંજે મોડેક સુધી તે પરત ન આવતાં ભેંસોના માલિક જેરામ આહીર તેમને શોધવા નીકળ્યા હતા. દરમ્યાન આ વૃદ્ધ ખીમા સામાભાઇની વાડીના ટાંકામાં ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે અન્યોને જાણ કરી તેમને બહાર કાઢી હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ વૃદ્ધ ટાંકામાં પાણી ભરવા જતાં પગ લપસી જતાં ડૂબી ગયા હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હોવાનું તપાસ કરતા પી.એસ.આઇ. વી.એ. ઝાએ જણાવ્યું હતું. વધુ એક અપમૃત્યુનો બનાવ મેઘપર બોરીચીની ગજાનંદ પાર્ક સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેનાર લીનાબેન ભાનુશાલી નામના મહિલા ગઇકાલે પોતાના ઘરે હતા. દરમ્યાન પંખામાં ગળેફાંસો ખાઇ તેમણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી આ મહિલાએ કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તેની  આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd