• શનિવાર, 30 મે, 2026

ચિંતાજનક વર્તારો : વરસાદ મોડો અને ઓછો

નવી દિલ્હી, તા. 29 : દેશમાં ચોમાસાંની એન્ટ્રી વિલંબમાં પડી છે. શ્રીલંકા પર ઓછાં દબાણવાળી તોફાની હવાઓનાં કારણે પાંચ દિવસથી અટકેલું ચોમાસું હવે સાત દિવસ બાદ કેરળ પહોંચશે. ઉપરાંત સામાન્યથી ઓછા એવા 90 ટકા વરસાદની ચિંતાજનક આગાહી પણ હવામાન ખાતાએ કરી છે. કેરળના કાંઠે ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ પહેલી જૂનમાં મનાય છે. અગાઉ દેશના મોસમ વિજ્ઞાન વિભાગે 26મી મે સુધીમાં ચોમાસું આવી જવાનું અનુમાન આપ્યું હતું. હવે તાજાં અનુમાન અનુસાર વરસાદ સાત દિવસ બાદ કેરળનો કાંઠો ભીંજવશે. આમ, ચોમાસું જૂના અનુમાન કરતાં લગભગ  10 દિવસ મોડું આવશે. દરમ્યાન ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં જૂન-જુલાઇમાં પણ હીટવેવની સંભાવના છે. સામાન્ય રીતે આ ગાળામાં તાપમાન 30થી 35 ડિગ્રી રહે છે, જ્યારે આ વખતે ત્રણ ડિગ્રી વધુ રહેવાની આગાહી દેશના હવામાન તંત્ર તરફથી કરાઇ છે. દરમ્યાન મોસમ વિજ્ઞાન વિભાગે એક ઉચાટભરી આગાહીમાં જણાવ્યું હતું કે, આ વર્ષે દેશમાં સરેરાશ 78 સેન્ટીમીટર વરસાદ થશે. જે સામાન્ય કરતાં લગભગ 10 ટકા ઓછો છે. દેશમાં કુલ વરસાદનો લગભગ 75 ટકા ભાગ ચોમાસાં દરમ્યાન વરસે છે, જે સિંચાઇ, પીવાનાં પાણી તેમજ વીજળી ઉત્પાદન માટે બેહદ જરૂરી છે. જૂન મહિનામાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરાઇ હતી. ઓછા વરસાદની અસર ખરીફ મોસમનું વાવેતર, પાક ઉત્પાદન સહિત ખેતીની પ્રવૃત્તિઓ પર પડશે. ઓછા વરસાદનાં કારણે ફાલ ઘટી શકે છે, જેનાં કારણે ખેડૂતોને ખર્ચ અને જોખમ વધી જતાં અનાજ, શાકભાજી મોંઘા થવાની ભીતિ વધી શકે છે. 

Panchang

dd