મુંબઈ, તા. 29 : ગુરૂવારની રજા પછી શુક્રવારે
ખુલેલા બજારમાં શરૂઆતનો સુધારો માંડ અગીયાર વાગ્યા સુધી ટક્યો હતો અને તે પછી નબળા
ચોમાસાની આગાહીને પગલે દિવસભર ઘટાડો ચાલુ રહેતા અંતે નિફ્ટી અને સેન્સેક્સ દોઢેક ટકાના
ઘટાડા સાથે બંધ હતા. 359.40 પોઇન્ટ્સ
કે 1.50 ટકાના ઘટાડા સાથે 23547.75 અને સેન્સેક્સ 1092 પોઈન્ટના મોટા કડાકા સાથે 74775.74 પર બંધ રહ્યા હતા અને રોકાણકારોની
છ લાખ કરોડની મૂડી સાફ થઈ ગઈ હતી. બજાર તૂટવા પાછળ સ્થાનિક અને વૈશ્વિક બંન્ને પ્રકારના
પરિબળો જવાબદાર હતા. મુખ્યત્વે તો આઇએમડીની આ વર્ષનો વરસાદ લાંબાગાળાની સરેરાશના 92 ટકા રહેવાના પહેલાના અનુમાન
સામે હવે 90 ટકા જ રહેશે એવો વરતારો આવતાં
બજારમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતુ. ઘણા એનાલિસ્ટો ભારતીય શેરોનું વેલ્યુએશન હજૂ
પણ ઊંચુ હોવાનું માનતા હોવાથી તાજેતરના મે સેટલમેન્ટના અંત ભાગમાં આવેલા નાના ઉછાળા
પછી પ્રોફીટ બુકીંગ પણ થયું હોવાનું કહેવાતું હતુ. યુએસ-ઇરાન વચ્ચે કોઇ કોંક્રીટ સમજૂતીના માર્ગે વાત આગળ વધતી ન હોવાનો
વસવસો પણ હતો. નિફ્ટીના 50માંથી 43 શેરોમાં ઘટાડો થયો હતો. રિલાયન્સ
અને એચડીએફસી બેન્કની સેન્સેક્સ નિફ્ટીના ઘટાડામાં વિલનની ભૂમિકા રહી હતી. રિલાયન્સનો
2.12 ટકાનો ઘટાડો નિફ્ટીના 43 અને સેન્સેક્સના 169 પોઇન્ટ્સ ખાઇ ગયો હતો.તે જ
રીતે એચડીએફસી બેન્કનો પોણાબે ટકાનો ઘટાડો આ બંન્ને સૂચકાંકોના અનુક્રમે 38 અને 177 પોઇન્ટ્સ ગળી ગયો હતો. સામે
જોકે લાર્સન અડીખમ રહેતાં એના પોણા ટકાના સુધારાએ સેન્સેક્સમાં 31 અને નિફ્ટીમાં 11 પોઇન્ટ્સ જોડ્યા હતા. નિફ્ટીમાં
ટોપ લુઝર્સમાં પાવરગ્રીડ સવાત્રણ ટકા ઘટી રૂ.
290 બંધ હતો. એવા જ હાલ નિફ્ટી
મિડકેપ સિલેક્ટ 1.57 ટકા તૂટી
14475ના સ્તરે વિરમ્યો હતો. મિડકેપ
100 ઇન્ડેક્સ 1.33 ટકા તૂટી 61724 બંધ હતો.સ્મોલકેપ 100 સૂચકાંક પણ 0.85 ટકા ગુમાવી 18138 બંધ હતો.ચંચળતા સૂચવતો ઇન્ડીયા
વિક્સ 8.02 ટકા ઉછળી 16.19 બંધ હતો.