ભુજ, તા. 29 : કચ્છી ભાનુશાલી સમાજની ભાવિ પેઢીને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગળ
વધારવા મુંબઇ સ્થિત કચ્છી ભાનુશાલી સેવા સમાજે
અનોખી તક આપીને કચ્છના 500 સહિત બે હજાર
વિદ્યાર્થીને મુંબઇમાં બોલાવી ઔદ્યોગિક ક્ષેત્રે માહિતગાર કરાયા હતા. ભગવાન વાલરામજી
પ્રાગટય શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભાનુ નવચેતના અભિયાન અંતર્ગત ઓધવરામ સંભારણાનો ત્રિદિવસીય
કાર્યક્રમ મુંબઇ ખાતે યોજાયો હતો. દેવજીભાઇ દયાત નંદા પરિવારના સહયોગથી યોજાયેલા આ
ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાનુશાલી જ્ઞાતિજનો
ઊમટયા હતા. કાર્યક્રમના પ્રથમ દિવસે મુંબઇના વસઇ ઔદ્યોગિક વિસ્તારમાં કચ્છ અને મુંબઇના
વિદ્યાર્થીઓને ફાર્મા, ઓટોમોબાઇલ્સ,
ડેરી, કાપડ બનાવટની કંપનીઓ સહિત વિવિધ ક્ષેત્રની
15થી વધુ કંપનીની મુલાકાતે લેવામાં આવી હતી
અને ઉદ્યોગો દ્વારા બનાવટની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. દાતા પરિવારના
દેવજીભાઇ નંદા તથા રાહુલભાઇ નંદા દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના જાણીતા
મોટિવેશનલ સ્પીકર જય થડેશ્વરના કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને પ્રગતિ અને જિજ્ઞાશાવૃત્તિ
અંગે વિસ્તૃત સમજ આપી હતી. સંઘર્ષ પછી જ જીવનમાં પરિણામ મળે છે અને કોઇ કામને નાનું
નહીં ગણવાનું જણાવ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા
હતા. આયોજક મુંબઇ સેવા સમાજના પ્રમુખ ડો. હર્ષદ મંગેએ ખાસ કરીને સમાજસેવામાં યુવાનોને
આગળ આવવા હાકલ કરી હતી. આપણા સમાજના અનેક યુવાનો વિવિધ ક્ષેત્રમાં છે, તેમને પોતાની જ્ઞાતિ માટે સેવા કરવા અનુરોધ
કરી મુંબઇમાં અદ્યતન સમાજવાડી ઘાટકોપરમાં નિર્માણ પામી છે, ત્યારે
આ છત જ્ઞાતિને સંગઠન મજબૂત કરવામાં મહત્ત્વનું યોગદાન આપે છે એમ જણાવ્યું હતું. સેવા
સમાજના વરિષ્ઠ ટ્રસ્ટી શંભુભાઇ માવે કહ્યું કે, સેવા સમાજની સ્થાપનાને
હવે 2029માં 100 વર્ષ થવા જઇ રહ્યા છે, ત્યારે એની ઉજવણી કરવા અને અત્યાર સુધી જે જે
વ્યક્તિઓએ આ સમાજવાડી અને સંસ્થાની સ્થાપના માટે ભોગ આપ્યો છે તેમને યાદ કર્યા હતા.
ઓધવરામજી મહારાજની લાંબી દૃષ્ટિનું આ પરિણામ હોવાનું કહ્યું હતું. સેવા સમાજના ટ્રસ્ટીઓ
જીતુભાઇ ભાનુશાલી, કૈલાસ ભાનુશાલી અને ભાવેશ ભાનુશાલીએ સંત હરિદાસજી
મહારાજનાં સતત માર્ગદર્શન અને આશીર્વાદથી મુંબઇમાં કોઇ સમાજ પાસે ન હોય એવું આ ભવન
નિર્માણ પામ્યું હોવાનું જણાવ્યું હતું અને મહારાજની પ્રેરણાથી વાડીનાં નિર્માણ માટે
દેવજીભાઇ દયાત નંદા પરિવારનો મુખ્ય ફાળો હોવાનું પણ કહ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન
જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, રાજ ગઢવીની સંતવાણી-ડાયરો યોજાયા હતા, જેને માણવા મોટી
સંખ્યામાં જ્ઞાતિજનો ઊમટયા હતા. જ્ઞાતિના આગેવાનો વલ્લભદાસ ભદ્રા, કનૈયાલાલ કટારિયા, જીતુ ગજરા, રણછોડભાઇ
નંદા, મોહનભાઇ દામા, હરીશ શેઠિયા,
દિનેશ ચાંદ્રા, દેશ મહાજનના પ્રમુખ દામજીભાઇ ભાનુશાલી,
રાજેશ જોઇસર, દામજીભાઇ હુરબડા, ડો. ચાંદ્રા, ગોવિંદ ભાનુશાલી વગેરે હાજર રહ્યા હતા.