• બુધવાર, 13 મે, 2026

ધુણઇ પાસે આદિયોગીની પ્રતિમાનું અનાવરણ

દહીંસરા (તા. ભુજ), તા. 12 : દહીંસરાથી ચાર કિ.મી. દૂર ધુણઇ પાસે આવેલાં જંગલેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં રૂા. 13 લાખના ખર્ચે બનાવાયેલી અને 27 ફૂટ ઊંચી આદિયોગી શિવની મૂર્તિનું ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે અનાવરણ કરાયું હતું. જંગલેશ્વર મહાદેવ સેવા વિકાસ ટ્રસ્ટ અને દહીંસરા શિવશક્તિ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભુજ મંદિરના સંતો શાત્રી અક્ષરપ્રસાદ, સરજુદાસ સ્વામી, વિશ્વવલ્લભદાસજી, કૃષ્ણજીવન, દેવસ્વરૂપ સ્વામીના હસ્તે આદિયોગી શિવની મૂર્તિનું અનાવરણ કરાયું હતું. આ તકે મૂર્તિના મુખ્યદાતા મૂળ દહીંસરા હાલે સ્વિડન રહેતા નરોત્તમભાઇ નરસિંહ લુહાર તેમજ અન્ય દાતાઓનું સન્માન કરાયું હતું. આ સંકુલમાં શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરાઇ છે, તો વનવાટિકા સાથે હરિયાળું વન ઊભું કરાયું છે તેમજ બાળકો માટે રમતગમતનાં સાધનો ગોઠવાયાં છે. આ સંકુલનો કરોડોના ખર્ચે વિકાસ કરાયો છે. આ સ્થળ યાત્રાધામ સાથે પ્રવાસીધામ બન્યું છે. શ્રાવણ માસ તેમજ દર સોમવારે અહીં શિવભક્તોની ભીડ ઊમટે છે. માજી મુખ્ય ટ્રસ્ટી વિશ્રામભાઇ ભુડિયાની સેવાઓને બિરદાવાઇ હતી. સવારથી સાંજ સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં દહીંસરા, સરલી, ધુણઇના મોટી સંખ્યામાં ઉપસ્થિત શિવભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. 

Panchang

dd