• બુધવાર, 13 મે, 2026

મુંદરાનો `જૂનો ને જોખમી' પ્રશ્ન; ગઢરાંગ અને જર્જરિત ઇમારત

મુંદરા, તા. 12 :  બંદરીય મુંદરા નગરની ઓળખ સમા જવાહર ચોક સ્થિત હંસ ટાવર ઉતારવાનો નિર્ણય તો આવી જ ગયો હતો, જેનાં નવનિર્માણ માટે દાતા પણ તૈયાર છે અને હવે વિધિવત ટેન્ડર પ્રક્રિયા પણ થતાં આ ટાવર એક ઇતિહાસ બની જશે એ નક્કી છે, પરંતુ આ ઐતિહાસિક મુંદરાની ફરતે આવેલી અને નાકાની અંદરના વિસ્તાર સ્થિત અનેક ઇમારતો અને બંગલાઓ પણ જર્જરિત પડયા છે, જે ગમે ત્યારે સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે એમ છે. તાજેતરમાં રાપરમાં ધમધમતા બજાર વિસ્તારમાં લગભગ 40 વર્ષ જૂની બિલ્ડિંગનો કઠોડો ધરાશાયી થવાથી છ-સાત વાહન નીચે દબાઈ ગયાં અને નાસભાગ મચી ગયાની  અને ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પાસે સ્લેબ તૂટયાની દુર્ઘટના તાજી જ છે, ત્યારે મુંદરાનો આ પ્રશ્ન પણ ખાસ સાંપ્રત બને છે. ગાંધીધામમાં તો બાદમાં  કડક નોટિસ બાદ ડિમોલિશિન પણ થયું હતું. મુંદરામાં જર્જરિત ઇમારતોનો પ્રશ્ન કચ્છમિત્રએ અવારનવાર ઉજાગર કર્યો છે  અને ફરી એક વખત મુંદરા નગર ફરતે આવેલા ગઢરાંગની સ્થિતિ સૂચવતી તસવીરોની હારમાળા પ્રસિદ્ધ કરી રહ્યું છે, જે બાજુનાં દૃશ્યમાં દેખાય છે. આ સિવાય ગામની અંદરના વિસ્તારોની અનેક રાજાશાહી સમયની ઈમારતો પણ ગમે ત્યારે ધબાય નમ: થઈ શકે એવી સ્થિતિમાં છે  અને આસપાસના લોકોને ઈજા કે જાનહાનિ પણ પહોંચાડી શકે તેવો ભય ઉઠયો છે. જૂની ઘટનાને યાદ કરતાં જાગૃત નાગરિકો કહે છે કેઓશવાળ શેરીમાં એક ડાઇનિંગ હોલમાં આગ વખતે ફાયર વાહન પણ અંદર જઈ શક્યું નહોતું. આવી જોખમી સ્થિતિ ફરી ઊભી ન થાય એ માટે બિનજરૂરી જોખમી ગઢરાંગ દૂર કરવી જોઈએ. વળી ગઢ ફરતે લોકોએ કરેલાં દબાણને પણ હટાવવા માટે દૃઢતાથી અમલની જરૂર છે. જો કેઆ સંદર્ભે નગરપાલિકાનો સંપર્ક સાધતાં સત્તાવાળાઓએ જણાવ્યું કે, નગર અંદરની ઇમારતો પર બે વખત નોટિસો મોકલી છે. ઘણા કેસમાં  માલિકોનાં નામ જ સ્પષ્ટ નથી થતાં એટલી જૂની છે, તો ક્યાંક માલિકોની ત્રીજી-ચોથી પેઢી છેએમને મિલકત વિશેની પણ જાણ નથી. છથી સાત વખત સર્વે પણ કરાવ્યા છેતેથી હવે જરૂરત જણાશે ત્યાં ઇમારતો ઉતારી લેવાશે જ. - અભિપ્રાય મહત્ત્વનો : દરમિયાન, મામલતદાર કચેરીનો સંપર્ક સાધતાં સત્તાવાળાઓનું કહેવું હતું કે, નોટિસ આપીને બાદમાં ઇમારતો ડિમોલીશન કરવા પાત્ર છે. એનું ટેકનિકલ સર્ટિફિકેટ મેળવીને ઉતારી શકાય છે, જેની સત્તા સુધરાઈ હસ્તક છે.  આ સંદર્ભે નિયમો વિશે પુછતાં અધિકારીઓએ કહ્યું કે, આવી સ્થિતિમાં અભિપ્રાય મહત્ત્વનો છે, જેમાં નગરપાલિકાના પોતાના ઈજનેરો હોય કે બહારની એજન્સી પાસેથી પણ અભિપ્રાય મેળવીને ઈમારતો ઉતારી શકાય. જાહેર નોટિસ પણ આપીને નગરપાલિકા તેમની સત્તાની રૂએ જ્યાં સલામતીનો પ્રશ્ન હોય, ત્યાં આવું પગલું લઈ શકે છે. - શું છે જોગવાઈ ? : ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 1963ની કલમ 182 (એક બે અને ત્રણ) મુજબ જાહેર આરોગ્યસુરક્ષા અને સુવિધા સંબંધિત સુધરાઈને સત્તાઓ છે, જેમાં ખંડેર ઈમારત જોખમી લાગે, તો તેને થાંભલા અને વાડ ઊભી કરીને સુરક્ષિત કરી શકાય અથવા તો જરૂરત પડયે માલિક કે કબજેદારને ખર્ચે તોડી શકે અને તેનો ખર્ચ અન્ય વેરાની જેમ વસૂલી પણ શકે છે. 

Panchang

dd