ગાંધીધામ, તા. 11 : જળવાયુ સબંધી ખતરાઓ પૈકી હીટવેવ મુખ્ય છે. કચ્છમાં
છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પારો 40 ડીગ્રીથી
ઉપર જ જઈ રહ્યો છે. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં 40થી 60 ટકા
ભેજના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઝડપથી વધતું શહેરીકરણ, ઔદ્યોગિક ગતિવિધિઓ, પરિવહન ગતિવિધિમાં વધારો સહિતના પરિબળોનાં કારણે ગાંધીધામમાં ગરમીના પ્રમાણમાં
ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો હોવાનું અભ્યાસમાં નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી
શહેરને બહાર લાવવા માટે અમલી કરાયેલો હીટ એક્શન પ્લાન કાર્યરત કરાયો છે અને તે પૈકી
અમુક બાબતોનું અમલીકરણ પણ કરાયું છે. ગાંધીધામ મહાપાલિકા, ચાઈલ્ડ
હેલ્થ ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થના સહયોગથી ગાંધીધામ માટે હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો
છે. ગાંધીધામમાં ગરમી દરમ્યાન ભેજના વધતાં પ્રમાણના કારણે વાસ્તવિક તાપમાનની તુલનામાં
ત્રણથી પાંચ ડીગ્રી જેટલાં તાપમાનનો વધારો અનુભવાય છે અને તેના કારણે બાળકો અને વૃદ્ધો
ગરમીમાં શારીરિક સમસ્યાઓનો સમાનો કરી રહ્યા હોવાનું ગાંધીધામના તબીબ ડો. નવીન ઠક્કરે જણાવ્યું હતું.
હીટવેવ એક્શન પ્લાનને અમલી કરવામાં મહાપાલિકા સાથે ગાંધીધામની 23થી વધુ એનજીઓ જોડાઈ છે અને ગાંધીધામ-આદિપુરના વિવિધ
વિસ્તારોમાં ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં
આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓ.આર.એસ. વિતરણ શરૂ કરવામાં આવશે અને વોટ્સએપ દ્વારા ગરમીની
પરિસ્થિતિ અંગે અર્લી વોર્નિંગ આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાનું ગાંધીધામ
મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાએ જણાવ્યું હતું. તંત્ર દ્વારા બરફના
કારખાનાની મુલાકાત લઈને બરફ બનાવવા માટે શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં
આવી છે. બિલગેટ્સ ફાઉન્ડેનશ દ્વારા તાજેતરમાં ગાંધીધામના બાળરોગ નિષ્ણાત તબીબ ડો. નવિન
ઠક્કરને ગોલકીપર ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો હતો તે સમયે કચ્છમાં કામ કરવા માટે નેમ
વ્યક્ત કરી હતી અને આ અંતર્ગત હાલ અમદાવાદ,
રાજકોટની માફક હીટ એક્શન પ્લાન ઉપર કામગીરી કરવા નિર્ધાર કરાયો છે અને
ડો. માવલંકર સાથે તેમણે સંપર્ક સાધીને ગાંધીધામને
ગરમીથી બચવવા માટે અભિયાન આદર્યું છે. પોલીસ દ્વારા ટ્રાફિક જંક્શન ઉપર ગ્રીન
કવરની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઝૂંપડપટ્ટી વિસ્તારમાં
પતરાં ઉપર સોલાર રિફ્લેકટિવ પેઈન્ટ લગાડવા આયોજન
ગાંધીધામ,
તા. 9 : સ્લમ
વિસ્તારમાં પતરાં ઉપર સોલાર રિફ્લેકટિવ પેઈન્ટ નાખવામાં આવે, તો ગરમીમાં સાતથી આઠ ડીગ્રી તાપમાન
ઘરનું ઓછું થઈ જાય. આ માટે ગાંધીધામની સ્વૈચ્છિક સંસ્થાઓ સહયોગી બની રહી છે અને પતરાં
ઉપર સફેદ કલર લગાડવાની દિશામાં કામગીરી શરૂ થવાની શક્યતા પ્રબળ છે, ત્યારે આગામી સમયમાં આ દિશામાં કામગીરી શરૂ થશે.
આરોગ્ય કેન્દ્રોમાં
ઓ.આર.એસ. કોર્નર : બગીચા બપોરે ખુલ્લા
ગાંધીધામ,
તા. 9 : એક્શન પ્લાન અંતર્ગત હોર્ડિંગ વગેરે દ્વારા લોકોએ શું
કરવું, શું ન કરવું એ અંગે માહિતી અપાશે.
આરોગ્ય વિભાગ દ્વારા દરેક આરોગ્ય સેન્ટર પર ઓ.આર.એસ. કોર્નર અને રામબાગમાં અલાયદી પથારીની
વ્યવસ્થા કરાઈ છે. બપોરના સમયે મજદૂરોને કામમાં આરામ આપવા, છાંયડા
અને પાણીની વ્યવસ્થા માટે સંબંધિત સંસ્થાઓને અનુરોધ કરાયો છે. સ્કૂલ અને આંગણવાડીમાં
છત પર સફેદ રિફ્લેક્શન માટે પેઈન્ટિંગ થાય અને સ્લમ વિસ્તાર માટે એનજીઓ આગળ આવે તેવી અપીલ કરાઈ છે. બગીચા પણ બપોર
સમયે ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે.