ભુજ, તા. 11 : અહીંના સરપટ નાકા
બહાર મહિલાઆશ્રમ ચાર રસ્તા પાસે પોલીસ પ્રશાસન હસ્તકની જમીન ઉપર ગાંડા બાવળની ઊગેલી
ઝાડી અને બાજુમાં વહેતાં ગટરનાં પાણીની સમસ્યાના યોગ્ય ઉકેલની તંત્ર સમક્ષ માંગ કરાઇ
હતી. ધરતીકંપ અગાઉ અને પછી ચારેક વર્ષ સુધી આ જમીન પર જેલના કર્મચારીઓ ગ્રાઉન્ડ+2 માળની ઊભી કરાયેલી બાંધકામની વસાહતમાં રહેતા હતા. ધરતીકંપમાં
નુકસાન પામેલાં બાંધકામને રિપેરિંગ કરાયાં પછી પાલારા જેલ પાસે નવાં આવાસ બની જતાં
એ તમામ જૂનાં બાંધકામને તોડી પાડી જમીનને સપાટ કરાઇ હતી. વર્ષોથી આ જમીન પર તંત્ર દ્વારા
કોઇ કામગીરી ન કરાતાં અત્યારે જમીન ઉપર ઊગેલી ગાંડા બાવળની ઝાડીને દૂર કરીને લોકકલ્યાણનું
બાંધકામ કરવા જાગૃત નાગરિકો દ્વારા માગણી કરાઇ છે. જમીન બાજુમાં વરસાદી પાણી નિકાલની
વ્યવસ્થા તથા નાળાંની સફાઇ કરવાની માંગ કરાઇ છે. લારી-ગલ્લાના કારણે થતી ગંદકીની પણ
ફરિયાદ કરાઇ હતી. દેશ-વિદેશથી પ્રવાસીઓની સતત અવર-જવરને કારણે ધમધમતા આ માર્ગે આવેલી
કિંમતી જમીનનો યોગ્ય કરાય તેમજ જમીનને ફરતી બ્રાઉન્ડરી ઊભી કરાય તેવી લોકમાંગ ઊઠી હતી.