• બુધવાર, 13 મે, 2026

45.4 ગગનમાંથી અગનવર્ષા; અંજાર-ગાંધીધામ ત્રાહિમામ

ભુજ, તા. 11 : કચ્છમાં સતત વધતા ગરમીનાં પ્રમાણનાં પગલે જનજીવન આકુળ-વ્યાકુળ બન્યું છે. હવામાન વિભાગે જિલ્લામાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરતાં ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંજાર, ગાંધીધામમાં મહત્તમ તાપમાનનો પારો 45.4 ડિગ્રીએ પહોંચતાં વર્તમાન ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. રાજ્યમાં 45.5 ડિગ્રીએ સુરેન્દ્રનગર મોખરાનું ગરમ મથક બન્યું હતું. એ બાદ કંડલા એરપોર્ટ બીજા નંબરના ગરમ મથક  સાથે અગન ભઠ્ઠીમાં શેકાયું હતું.  કંડલા (એ.)માં 26મી એપ્રિલે પારો 45 ડિગ્રીએ પહોંચ્યા બાદ રવિવારે ફરી આ આંકને પાર થઇ 45.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. સોમવારે 0.2 ડિગ્રીના વધારા સાથે પારો 45.4 ડિગ્રીએ પહોંચતાં વર્તમાન ઉનાળાની સિઝનનો ગરમાગરમ દિવસનો અનુભવ થયો હતો. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો એક ડિગ્રી નીચે ઊતરી 42 ડિગ્રીએ પહોંચવા છતાં તાપની તીવ્રતા અને અનુભૂતિમાં જરાસરખી રાહત મળી નહોતી. બપોરના સમયે ભીષણ ગરમીના કારણે લૂ ઓકતા ઊની વાયરાઓએ લોકોની અગન પરીક્ષા લેવાનું કાર્ય કર્યું હતું. હવામાન વિભાગના આગામી દિવસના વર્તારામાં ભુજમાં પણ પારો 44-45 ડિગ્રીના આંકે પહોંચે તેવી સંભાવના દેખાડવામાં આવી છે. ઓરેન્જ એલર્ટનાં કારણે ગરમીની તીવ્રતા પોતાનું જોર દેખાડે તેવો વાતાવરણીય માહોલ હાલમાં અનુભવાઇ રહ્યો છે. લઘુતમ પારો પણ ઊંચો રહેવા સાથે પવનની ગતિ મંદ પડતાં રાત્રિના પણ ઉકળાટથી જનજીવન અકળાઇ ગયેલું જોવા મળ્યું હતું. કંડલા પોર્ટમાં પણ પારો ઊંચકાઇને 39 ડિગ્રીએ પહોંચતાં દરિયાકાંઠા વિસ્તારમાં ગરમી -ઉકળાટનો અનુભવ થયો હતો. ગરમી-ઉકળાટનું પ્રમાણ સતત વધવાની વિપરીત અસર જનસ્વાસ્થ્ય પર પડી રહી છે. શરીર ઝકડાઇ જવું, પેટમા દુ:ખાવા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. જાણકારોના મતે આ વખતે શરૂઆતી દિવસોમાં ગરમીની પકડ ઢીલી રહ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યનારાયણ પરચો દેખાડી રહ્યા છે. જેટલું તડકાનું જોર વધુ એટલો વરસાદ વધુ પડતો હોવાની ભૂતકાળની વાતોના આધારે લોકો તાપની ગરમીમાં શેકાઇ સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.

Panchang

dd