• બુધવાર, 13 મે, 2026

ચારા-પાણી માટે વન-વગડામાં ભટકતા ઊંટ

કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 11 : કચ્છ જિલ્લો વર્ષોથી દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરતો આવ્યો છે અને જિલ્લામાં પશુધનનું પ્રમાણ પણ સારાં પ્રમાણમાં હોવાથી ઘાસચારો અને પાણીની જરૂરિયાત હંમેશાં વધુ રહેતી હોય છે, હાલ ચારો અને પાણીની અછત વધુ ગંભીર બનતાં પશુપાલકો માટે પોતાનાં પશુઓને સાચવવાં મુશ્કેલ બનતાં ચારો-પાણીની તંગી વચ્ચે કચ્છના ઊંટોને વન-વગડા છોડીને ગ્રામીણ માર્ગો પર ભટકવા મજબૂર બનવું પડયું છે. પંથકમાં નાનાં પશુઓ નાના ઝાડવાઓમાં ચારો શોધતાં જોવા મળે છે, જ્યારે પશુપાલકો મોટા ઝાડવાઓ કાપીને પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે. ગાયો માટે સરકાર તથા દાતાઓ સહાય માટે આગળ આવે છે, પરંતુ ભેંસ જેવા પશુઓ માટે પશુપાલકોને પોતાના ખેતર કે વાડીઓમાંથી ચારો લાવીને વ્યવસ્થા કરવી પડે છે. રણનું પ્રાણી કહેવાતું ઊંટ પણ હવે આ સંકટમાંથી બાકાત રહ્યું નથી. સામાન્ય રીતે ઊંટ રણ અને વગડામાં લટાર મારી ઊંચા ઝાડવાઓના પાંદડા ખાઈ જીવન પસાર કરે છે, પરંતુ વૃક્ષો સુકાઈ જતાં અને વૃક્ષો કપાતાં હવે ઊંટોને પણ પૂરતો ચારો મળતો નથી. કેટલાક ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતાં વાડીઓની સીમ પર આવેલા વૃક્ષો કાપી રહ્યા છે, જ્યારે અમુક જગ્યાએ વૃક્ષોના ભાવ નક્કી કરીને પશુપાલકોને વેચવામાં આવે છે. તાજેતરમાં પવનચક્કીઓ અને મોટા વીજપોલ ઊભા કરવાની કામગીરી દરમિયાન લીલી ઝાડીઓ અને વૃક્ષો કાપવામાં આવતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. માલધારીઓના જણાવ્યા મુજબ આ કારણે પશુઓ માટે કુદરતી ચારો સતત ઘટી રહ્યો છે, જેના કારણે પશુધનને સમય જતાં વધુ મુશ્કેલી પડી રહી છે. પરિણામે હવે ઊંટો અને તેમના માલધારીઓ ચારા અને પાણીની શોધમાં વન-વગડા તેમજ ગ્રામીણ માર્ગો પર ભટકતા જોવા મળે છે. કુકમાથી કોટડા ચકાર જતા માર્ગ પર ઊંટોના ઝૂંડનું દૃશ્ય પણ આ જ સ્થિતિ દર્શાવે છે. ભુજ તાલુકાના સીમ વિસ્તારમાં પણ ઊંટ માલધારીઓ પોતાના માલ સાથે વન-વગડામાં ભટકતા જોવા મળી રહ્યા છે. પશુપાલકોના જણાવ્યા મુજબ વન વિસ્તારમાં હવે ઘાસ-વનસ્પતિ અને પાણી બંનેની અછત સર્જાઈ છે. પશુપાલકો દ્વારા સરકાર સમક્ષ ઘાસ-પાણીની સુવિધા કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. ઊંટ પોતાના શરીરમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું પ્રાણી હોવાથી તેને `રણનું પ્રાણી' પણ કહેવામાં આવે છે, છતાં હાલ પાણીના અભાવે આ પ્રાણી પણ સંઘર્ષ કરી રહ્યું છે. સમયસર યોગ્ય વ્યવસ્થા ન થાય, તો કચ્છના પશુધન માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

Panchang

dd