• બુધવાર, 13 મે, 2026

આભમાંથી વરસતી અગનજ્વાળા : અંજાર-ગાંધીધામ 44.4 ડિગ્રી

ભુજ, તા. 9 : આગામી આખું સપ્તાહ આકરો તાપ કચ્છને દઝાડશે તેવી હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી હોય તેમ ઊંચકાયેલા મહત્તમ તાપમાને કચ્છને અગનગોળો બનાવ્યું હતું. આભમાંથી અગનજ્વાળા વરસતી હોય તેવા આકરા તાપ વચ્ચે અંજાર-ગાંધીધામમાં મહત્તમ પારો દોઢ ડિગ્રી ઊંચકાઇને 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં સર્વાધિક ગરમીનું જોર આ વિસ્તારમાં જોવા મળ્યું હતું. જિલ્લા મથક ભુજમાં પણ 42 ડિગ્રીએ પહોંચેલા મહત્તમ પારાએ લૂનો પ્રભાવ વર્તાવ્યો હતો. હવામાન વિભાગે છ દિવસ સુધી ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી જારી કરી છે. 26મી એપ્રિલે કંડલા (એ)માં 45 અને ભુજમાં 43.8 ડિગ્રીએ મહત્તમ પારો પહોંચ્યા બાદ સિઝનના સર્વાધિક તાપની અનુભૂતિ મેના બીજાં સપ્તાહમાં કચ્છવાસીઓ કરી રહ્યા છે. આજે સવારથી અંગ દઝાડતા તાપ અને બળબળતી લૂના ઉની વાયરાઓ આજનો દિવસ લોકોની અગન કસોટી કરશે તેવો સંકેત આપી દીધો હતો. હવામાન વિભાગે ગરમીનાં આકરાં મોજાંનું યલો એલર્ટ જાહેર કરી મહત્તમ પારો 45 ડિગ્રીના આંક સુધી પહોંચે તેવી સંભાવના દેખાડી છે, ત્યારે શનિવારે જ કચ્છમાં મહત્તમ પારો 45 ડિગ્રીની નજીક પહોંચ્યો હતો. હવામાન વિભાગના વર્તારા અને સૂર્યનારાયણના આકરા તેવર જોતાં વર્તમાન ઉનાળાનો સર્વાધિક તાપ આગામી દિવસોમાં અનુભવાય તેવી શક્યતા હવામાન નિષ્ણાતો વ્યકત કરી રહ્યા છે. - મેમાં પારો 48 ડિગ્રી નજીક પહોંચ્યો છે : મે મહિનામાં કચ્છમાં પ્રચંડ ગરમીનો અનુભવ થવો એ નવી બાબત નથી હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર ભૂતકાળમાં મે મહિનામાં કચ્છમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રીની નજીક પહોંચી ચૂક્યું છે. 26 મે 1886ના દિવસે ભુજમાં નોંધાયેલું 47.8 ડિગ્રી તાપમાન અત્યાર સુધીનું ઓલટાઇમ હાઇ ટેમ્પરેચર છે. વીતેલા દાયકામાં ભુજ-કંડલા (એ.)માં પારો 46 ડિગ્રીના આંકને સ્પર્શ્યો છે.

Panchang

dd