ભુજ, તા. 7 : રાષ્ટ્રગીત `વંદે માતરમ્' દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની
ભાવના જગાડે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રગીતના 1પ0 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને સીમાઓથી સમુદ્ર
તટ સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને ઊજવવામાં આવતો હોવાનું નાયબ મુખ્યમંત્રી
હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું. તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા શ્રી સંઘવીએ લખપત તા.ના
મોટીછેર ગામની બોર્ડર આઉટપોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવા સાથે ઉપર્યુક્ત
જણાવી ઉમેર્યું કે, `વંદે માતરમ' રાષ્ટ્રગીતમાં દેશની એકતાનાં દર્શન થાય છે.
સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળમાં દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્ત્વપૂર્ણ
ભૂમિકા ભજવી હતી. આ અવસરે હર્ષ સંઘવીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે
શપથ લઈ સ્વદેશી અપનાવવા આહ્વાન કર્યું હતું. ઉપરાંત શ્રી સંઘવીએ બીએસએફના જવાનો સાથે
ચાય પે ચર્ચા પણ કરી હતી. આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વરચંદ, રેન્જ
આઈજી ચિરાગ કોરડિયા અને વીરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી
ઉત્સવ ગૌતમ, 176 બીએસએફ બટાલિયન
કમાન્ડન્ટ યોગેશકુમાર સહિત અધિકારી, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા
હતા.