• શનિવાર, 08 નવેમ્બર, 2025

ગાંધીધામ સંકુલમાં પોર્ટ આધારિત અભ્યાસક્રમ શરૂ કરવા સક્રિય પ્રયાસ કરાશે

ગાંધીધામ, તા. 7 : કચ્છની ધરતી ઉત્સાહ, ઉદ્યોગ અને પ્રતિભાનું પ્રતીક છે. ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સે  વિભાજનની પીડામાંથી  મુક્ત થઈ આર્થિક રીતે પ્રગતિ સાધી છે. કંડલા મહાબંદર અહીં ધમધમે છે, ત્યારે પોર્ટ આધારિત કૌશલ્યવર્ધન અભ્યાસક્રમ શરૂ કરાય, તે દિશામાં સક્રિય પ્રયાસ કરાશે તેવું રાજ્યના ઉચ્ચ અને  ટેકનિકલ શિક્ષણ મંત્રી  ત્રિકમભાઈ છાંગાએ  ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત સન્માન સમારોહ દરમ્યાન વ્યક્ત કરી હતી. સમારોહના આરંભે ગાંધીધામ ચેમ્બરના પદાધિકારીઓ, સભ્યો દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સન્માન મારું નહી કચ્છનું છે. કચ્છને વેટરનરી કોલેજ મળી છે  અને કૃષિ  કોલેજના પ્રયાસો પ્રગતિમાં હોવાનું જણાવી સ્પિપા સેન્ટર માટે અગાઉ થયેલા પ્રયાસો આદરાયા હતા, પરંતુ શરૂ ન થઈ શકેલા આ સ્પિપા કેન્દ્ર માટે  સહિયારા પ્રયાસની  તેમણે નેમ વ્યક્ત કરી હતી. તેમણે વર્ષો પહેલાં  જ્યારે શિક્ષણનું મહત્ત્વ કે વ્યાપ ઓછું હતુંતે સમયે ટ્રીપલ ગ્રેજ્યુએશન કર્યાનું જણાવી  રાજ્ય સરકારના પ્રયાસથી  ઉચ્ચ શિક્ષણને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કચ્છની ધરતી ઉત્સાહઉદ્યોગ અને પ્રતિભાનું પ્રતીક છે.  મુખ્યમંત્રીનાં માર્ગદર્શન  હેઠળ  કચ્છમાં ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ તાલીમ, ગ્રીન એનર્જી મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન  ક્ષેત્રે વિવિધ સંભાવનાઓ ઊભી થઈ છે.  અહીંના યુવાનો માટે સરકારી  સહાયથી  નવા તાલીમ કેન્દ્રોઅને સંશોધન સંસ્થાઓ  સ્થાપવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.  કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા સંદેશ પાઠવતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047નાં વિઝનને સાકાર કરવા કચ્છ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. યુવા પેઢી, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ,   હેન્ડીક્રાક્ટ  અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો આગળ વધે તે દિશામાં ગાંધીધામ ચેમ્બરની ભૂમિકા ઉત્સાહજનક હોવાનું કહ્યું હતું. ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ  કહ્યું હતું કે, કચ્છના  દરેક ગામ, શહેરોમાં  શિક્ષણ, ડેરી, હેન્ડીક્રાક્ટમહિલા સશક્તિકરણ અને પ્રવાસન સાથે જોડાયેલા કાર્યક્રમો વધી રહ્યા છે.રાજ્ય સરકારના સહયોગથી  ઉદ્યોગ અને સમાજ વચ્ચેનું સકંલન  મજબૂત બને તે રીતે ચેમ્બર કાર્ય કરી  રહી હોવાનું જણાવ્યું હતું.  ચેમ્બર પ્રમુખ મહેશ પુજે  સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કચ્છના  વિકાસમાં ઉદ્યોગ, શિક્ષણ અને ટેક્નોલોજી ત્રણે મુખ્ય સ્તંભ છે. ગાંધીધામ ચેમ્બર છેલ્લા કેટલાક વર્ષોથી યુવાશક્તિના વિકાસ માટે કાર્યરત છે. ઉદ્યોગો માટે સ્કિલ્ડ માનવબળ તૈયાર થાય તે માટે તાલીમ કેન્દ્રો, ટેકનિકલ કોર્સ અને વ્યવસાયિક માર્ગદર્શનની જરૂર છે. રાજ્ય સરકારના સહયોગથી કચ્છમાં સ્કિલ ડેવલપમેન્ટ તથા હાયર એજ્યુકેશન માટે નવા અધ્યાયો શરૂ થાય તે દિશામાં ચેમ્બર સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું માર્ગદર્શન તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના સહયોગને બિરદાવ્યા હતા. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્યું હતું કેચેમ્બર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સાથે કચ્છના યુવાઓને સનદી સેવાની પરીક્ષા અને એડમિનિસ્ટ્રેટિવ કોર્સ માટે તૈયારીની તક આપવાનો ઉદેશ અંતર્ગત વિવિધ સ્તરે પ્રયત્નો આદરી રજૂઆત કરાઈ હોવાનું કહ્યું હતું. કચ્છમાં સ્પિપા જેવી સંસ્થા અથવા તેની શાખા સ્થાપાય તે માટે પણ ચેમ્બર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત  કરાઈ હોવાનું ઉમેર્યું હતું. કૃષિ, ડેરી ઉદ્યોગ, ગ્રીન હાઈડ્રોજન હબ, મેરિટાઈમ અને પોર્ટ ડેવલપમેન્ટ, તેમજ સોલાર એનર્જી અને સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચારિંગ જેવાં ક્ષેત્રોમાં રાજ્ય સરકાર સાથે સહયોગ કરીને રોજગારની તકો વધારવાનો ગાંધીધામ ચેમ્બરનો ધ્યેય  હોવાનું ઉમેર્યું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, જતિન અગ્રવાલે આયોજન, સંકલન અને વિવિધ સમાજ-સંસ્થાઓને એકત્રિત કરવામાં ભૂમિકા ભજવી હતી. ચેમ્બરના પૂર્વ પ્રમુખો બચુભાઈ આહીર, કે. એમ. ઠક્કર, પારસમલ નાહટા,   એસઆરસીના ચેરમેન સેવક લખવાણીશામજીભાઈ કાનગડ તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd