• શનિવાર, 08 નવેમ્બર, 2025

મમદાનીનો વિજય ટ્રમ્પ સામે પડકાર, ભારતીયો માટે ચિંતા

ન્યૂયોર્કના મેયર તરીકે 50 ટકાથી વધુ મત મેળવી ચૂંટાઇ આવેલા જોહરાન મમદાનીના વિજયથી ટ્રમ્પ વિરોધીઓ ખુશખુશાલ બની ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું તેમને સમર્થન હતું અને ડેમોક્રેટિક પક્ષમાં તેમના વિજયથી નવી તાજગી આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બનેલા મેયર મમદાનીના પ્રખર વિરોધી છે. મમદાનીની જીતથી ટ્રમ્પના સમર્થકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. આવતાં વર્ષે યોજાનારી સેનેટની ચૂંટણીમાં ઉત્સાહિત ડેમોક્રેટ જો જીતી જાય તો ટ્રમ્પને અમેરિકી સંસદમાં મુશ્કેલી પડી શકે છે. આથી જ ટ્રમ્પ તેમના વિરોધમાં એટલી હદ સુધી ઢળી ગયા છે કે, જો મમદાની મેયર બનશે તો તેઓ ન્યૂયોર્કને અપાતા ફંડમાં કાપ મૂકશે. હવે મમદાની ચૂંટાઇ આવ્યા છે ત્યારે ટ્રમ્પ અમેરિકાના આ સૌથી મોટા ધનિક શહેર સાથે કેવો વર્તાવ કરશે એ જોવાનું છે. તો ભારતે પણ મમદાની સામે સાવધ રહેવું પડશે. આમ તો અમેરિકાના એક શહેરના મેયર સાથે અન્ય કોઇ સાર્વભૌમ દેશને કોઇ સંબંધ હોતા નથી, પણ જોહરાન મમદાની ભારતીય મૂળના છે. તેમના માતા મીરા નાયર પ્રખ્યાત ફિલ્મકાર છે, તો પિતા મહેમૂદ મમદાની વર્ષો પહેલાં યુગાન્ડામાં વસી ગયા હતા, તેઓ કોલંબિયાના જાણીતા પ્રોફેસર છે, પણ અમેરિકી ભારતીયો માટે ભલે આપણે પીઠ થાબડતા હોઇએ પણ તેઓ ભાગ્યે જ પોતાના મૂળની ચિંતા કરે છે. આથી અગાઉ કાશ પટેલે એફબીઆઇના હેડ હોવા છતાં અવૈધ ભારતીયોને બેડીઓ બાંધી મોકલવામાં સંકોચ નહોતો કર્યો, તો તુલસી ગાબાર્ડ પણ વખત આવ્યે ભારતની તરફેણમાં નથી હોતા. તો મમદાની પાસેથી પણ માત્ર ભારતીય હોવાનો ગર્વ કરવા સિવાય ખાસ કોઇ ફાયદો નથી. ઊલટું તેઓ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી છે. તેમણે સીએએનોય જાહેરમાં વિરોધ કર્યો હતો.  ન્યૂયોર્કમાં લગભગ અઢી લાખ ભારતીયો વસે છે. તેમણે પણ મમદાનીને મત આપ્યો જ હશે, એટલે જ અમેરિકી ભારતીયોમાંથી ઘણાએ તેમના વિજયનો આનંદોત્સવ મનાવ્યો હતો. પ્રવાસી ભારતીયોએ તો તેને નવા યુગની શરૂઆત ગણાવી છે. મમદાનીએ પણ વિજયી ભાષણમાં પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ટ્રસ્ટ વિથ ડેસ્ટિનીનો ઉલ્લેખ કર્યો હતો, પણ તેમ છતાં તેમના ભારતવિરોધી વલણને જોતાં ઘણા ભારતીયો તેની વિરોધમાં પણ ગયા છે. જો મમદાની ભારતવિરોધી વલણ જાળવી રાખશે તો ત્યાં ભારતીયોની ચિંતા આપણને જાગે એ સ્વાભાવિક છે. એ ઉપરાંત મમદાની ઇઝરાયલના પ્રખર વિરોધી પણ રહ્યા છે. તેઓ નરેન્દ્ર મોદી અને બેન્જામીન નેતાન્યાહુને વિરોધના એક જ પલડાંમાં રાખે છે. ન્યૂયોર્ક યુનાઇટેડ નેશન્સનું હેડ કવાર્ટર પણ છે તો અમેરિકી અર્થતંત્ર માટેય મહત્ત્વનું છે. આ શહેરની અગત્યતા જ મમદાનીને મહત્ત્વના વ્યક્તિ બનાવી દીધા છે. 

Panchang

dd