• શનિવાર, 08 નવેમ્બર, 2025

`રખડતા શ્વાનોને જાહેર સ્થળોથી દૂર કરો'

નવી દિલ્હી, તા. 7 : દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે રખડતા શ્વાનોના બહુચર્ચિત બનવા માંડેલા મામલા પર મહત્ત્વપૂર્ણ ચુકાદામાં આવા શ્વાનોને શાળા, કોલેજ, હોસ્પિટલ, બસ સ્ટેશન જેવાં સ્થળો પરથી દૂર હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. શાળા, કોલેજ, હોસ્પિટલ, રમતગમતનાં મેદાન જેવાં સ્થળોનાં પરિસરોમાં નિયમિત નિરીક્ષણ કરતાં રહી કોઈ રખડતા શ્વાન દેખાય કે તરત શેલ્ટર હોમમાં મોકલી દેવાનો સુપ્રીમકોર્ટનો આદેશ સમગ્ર દેશમાં રખડતાં જાનવરોના હુમલાથી માનવીય નુકસાન પર રોક મૂકવાના હેતુ સાથે ભારે મહત્વનો મનાય છે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, શ્વાનો પ્રવેશી ન શકે, તે માટે શાળા-કોલેજ, હોસ્પિટલોમાં વાડ લગાવવા જેવા જરૂરી ઉપાયો કરવાના રહેશે. અદાલતે એવું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પકડાયેલા રખડતા શ્વાનોને તે જ જગ્યા પર પાછા નહીં મુકાયજ્યાંથી ઉઠાવાયા હતા. આવા શ્વાનોને શેલ્ટર હોમમાં રખાશે. સુપ્રીમે તમામ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પરથી પણ રખડતાં પશુ હટાવવાનો આદેશ આપ્યો હતો. તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આ આદેશોનું કડકપણે પાલન કરાવવાનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો. આ મામલા માટે ત્રણ સપ્તાહમાં પરિસ્થિતિ અહેવાલ (સ્ટેટસ રિપોર્ટ) અને સોગંધનામાં રજૂ કરવાની સૂચના પણ અપાઈ હતી. નવી સુનાવણી 13મી જાન્યુઆરીના થશે.   રાજ્યસરકારોએ સરકારી અને ખાનગી શાળા, કોલેજો, હોસ્પિટલોની ઓળખ કરવાની રહેશે જ્યાં રખડતા શ્વાનો હોય. દરમ્યાન, અરજદાર અને વકીલ નનીતા શર્માએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, બેહદ કઠોર આદેશ અપાયો છે, છતાં પણ હું ઈશ્વરીય ન્યાયમાં વિશ્વાસ રાખું છું. અબોલજીવો સાથે અન્યાય નહીં થાય તેવો ભરોસો છે. ખાસ ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટ 28મી જુલાઈના એક મીડિયા અહેવાલ પણ જાતે સંજ્ઞાન લીધું હતું. આ અહેવાલમાં ખાસ કરીને બાળકોને શ્વાનોના બટકાં ભરવાથી થતા રેબિઝના મામલાની જાણકારી અપાઈ હતી. ત્યારબાદ, સુપ્રીમકોર્ટે આ મામલાનો દાયરો દિલ્હી-એનસીઆર પૂરતો સીમિત નહીં રાખતાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે, સમગ્ર દેશ સુધી અસર કરે તે સ્તર સુધી હાથ પર લીધો હતો. રાજસ્થાન હાઈકોર્ટે ત્રણ મહિના પહેલાં સરકારી એજન્સીઓને રસ્તાઓ પરથી રખડતાં પશુઓ હટાવવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહીને અવરોધવાનો પ્રયાસ કરનારાઓ વિવિધ એફઆઈઆરનો આદેશ પણ અપાયો હતો. સુપ્રીમકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, આવો જ ફેંસલો આખા દેશમાં લાગુ થશે. 

Panchang

dd