• શનિવાર, 08 નવેમ્બર, 2025

ભચાઉના બે ગરનાળાઓના માર્ગની સુધારણા કરાય, તો સમસ્યામાંથી મુક્તિ મળે

ભચાઉ, તા. 7 : ભચાઉમાં બે ગરનાળાના માર્ગની સુધારણા કરવામાં આવે, તો લોકોને વૈકલ્પિક વ્યવસ્થાઓ મળી શકે તેમ છે અને ટ્રાફિક તેમજ ફાટક બંધ રહેવાની સમસ્યાથી મુક્તિ મળે તેવી સંભાવનાઓ છે અને આ માટે રેલવે પ્રશાસન સાથે મળીને વહીવટી તંત્રએ પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. ભચાઉમાં ચાર ગરનાળાં છે, તે પૈકીના બે ઉપર બ્રિજનું કામ ચાલુ છે અને અન્ય બે નાળાંઓના માર્ગ સુધારણા માંગી રહ્યા છે. અહીં માર્ગોની સ્થિતિ સારી નથી આ ઉપરાંત ગંદકી છે, નાળાંઓમાં પાણી ભરાયેલું રહે છે, આસપાસમાં બાવળની ઝાડીઓ ઊગી નીકળી છે, જેના કારણે લોકો આ અંડર બ્રિજથી આવન-જાવન કરતા નથી મજબૂરીવસ તેમને ફાટક પાર કરીને જવું પડે છે. વારંવાર ફાટક બંધ રહેતું  હોવાથી લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે સિકરા, ગુણાતીતપુર, વાડી વિસ્તાર તેમજ સ્કૂલનાં બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજિત 18 હજારની આસપાસની વસ્તી ધરાવતા વિસ્તારોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  વહીવટી તંત્ર દ્વારા જે બે ગરનાળાં- અંડર બ્રિજના માર્ગો ખરાબ છે, તેને સુધારણા કરવામાં આવે. આ ઉપરાંત આસપાસમાં જે ગંદકી ફેલાયેલી છે અને બાવળની ઝાડીઓ છે, તેને કાપી સફાઈ કરીને વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે, તો લોકોને તેમજ વાહનચાલકોને અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે તેમ છે. હાલના સમયે તો ફાટકથી લોકો અવરજવર કરી રહ્યા છે, તેના કારણે લાંબા સમય સુધી લોકો હેરાન થાય છે, આ ઉપરાંત આર્થિક ફટકો પણ પડે છે. રેલવે પ્રશાસન સાથે વહીવટી વિભાગ અને જનપ્રતિનિધિઓ સક્રિય થાય અને અહીં વ્યવસ્થાઓ ઊભી કરે, તો લોકોની મુશ્કેલીઓ હલ થઈ શકે તેમ છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનથી માનસરોવર ફાટક સુધીમાં અનેક દબાણો છે અને હજુ અતિક્રમણ વધી રહ્યું છે. તે બાબતે પણ પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

Panchang

dd